________________
પરિશિષ્ટ - ૧
વિ.સં. ૨૦૪૪ના દેવદ્રવ્ય-વ્યવસ્થાના સંમેલનીય ઠરાવ નં. ૧૩ ઉપર ચિંતન
- પં. ચંદ્રશેખર વિજયજી સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિનભક્તિ કરી શકતા શક્તિસંપન્ન સંઘે તેવી ભાવનાથી પણ સંપન્ન રહેવું જોઈએ. પણ તે જો ભાવનાસંપન્ન ન થાય તો નીચેના વિધાન પ્રમાણે વર્તવું :
પૂજયપાદ આ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે ‘સંબોધ પ્રકરણ’ ગ્રંથમાં દેવદ્રવ્યના ત્રણ ભાગ પાડ્યા છે :
૧. પૂજાદ્રવ્ય ૨. નિર્માલ્યદ્રવ્ય ૩. કલ્પિતદ્રવ્ય. / (૧) પૂજાદ્રવ્ય : પૂજા માટે આવેલું દ્રવ્ય તે પૂજાવ્ય. તે જિનેશ્વર ભગવાનની મૂર્તિની ભક્તિમાં વપરાય છે.
(૨) નિર્માલ્યદ્રવ્ય : ચડાવેલું કે ધરેલું દ્રવ્ય તે નિર્માલ્યદ્રવ્ય, તે દ્રવ્ય ભગવાનની અંગપૂજામાં ઉપયોગી બનતું નથી, પરંતુ અલંકારાદિના ઉપયોગમાં લેવાય છે, અને મંદિરના કામમાં પણ ઉપયોગી બને છે.
(૩) કલ્પિત દ્રવ્ય : જુદા જુદા કાળે જરૂરિયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચડાવાની (બોલીની) શરૂઆત કરી, તે બોલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય, જેમ કે પૂજાના ચડાવા, સ્વપ્ન વગેરેની બોલી, પાંચ કલ્યાણકોની બોલી, ઉપાધાનની માળના ચડાવા તેમજ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે.
આ કલ્પિત દેવદ્રવ્ય, ભગવાનની પૂજાનાં દ્રવ્યો, મંદિર માટે રાખેલા માણસોના પગાર, જીર્ણોદ્ધાર, નવાં મંદિરો વગેરેની રચના તેમજ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યોમાં વાપરી શકાય છે.
ઠરાવની પૂર્વભૂમિકા સહુને એવું જાણવાની ઇચ્છા થાય કે આવો ઠરાવ કરવાનું પ્રયોજન શું ? એનો ઉત્તર આ પ્રમાણે છે :