________________
સુખ મળે છે તેવો એક અનાત્મભાવનો સંસ્કાર ગ્રહણ થયેલો છે. કારણ કે સાચા જ્ઞાન અને દર્શન-શક્તિની અતિ મંદતાને કારણે પ્રાણીમાત્ર-મનુષ્ય ઈંદ્રિયો વડે જ સર્વ વ્યાપાર-પ્રવૃત્તિ કરતો હોવાથી એમ જાણે છે કે આ ઈંદ્રિયો તે હું, મન તે હું, દેહ તે હું અને તેના વડે જે કંઈ જાણું, જોઉં અને અનુભવું છું તે સાચું સુખ છે. વાસ્તવિક રીતે તે પરલક્ષી સુખાભાસ છે.
♦ સ્પર્શેન્દ્રિયમાં સુખની ભ્રાંતિનું દૃષ્ટાંત :
ઈંદ્રિયોના વિષયો વડે મને સુખ છે એ સંસ્કાર હાડ, ચામ, માંસ, મજ્જા સાથે એવો એકાકાર થઈ ગયો છે કે વ્રતધારી, ત્યાગી, સંત, સંન્યાસી પણ જો અજાગૃત રહે તો તેને પણ ભ્રમમાં નાંખી ચક્કરમાં પાડી દે છે.
એક ગુરુ અને એક શિષ્ય હતાં. બંને એક ગામને પાદરે મહાદેવના મંદિર પાસે નાની ઝૂંપડીમાં રહે. રોજ સત્સંગ કથા ચાલે, ગુરુજી શ્રોતાઓને નિત્ય બ્રહ્મવ્રત ઉપર અનેકવિધ દૃષ્ટાંતોથી તેનો મહિમા દર્શાવે, અને જીવ ભ્રમમાં કેવો ભૂલે છે તેની ચેતવણી પણ આપે. શિષ્યને રોજે બ્રહ્મવ્રતની જ વાતો સાંભળીને એમ થતું કે ગુરુજી રોજે આ એક જ વાતનો શું કામ આગ્રહ રાખતા હશે ? વળી અમે બંને તો બાળ બ્રહ્મચારી છીએ, હવે શું ભૂલમાં પડવાના હતા, કે ભ્રમ ઉત્પન્ન થવાનો હતો ? વળી કોઈવાર વિષય બદલવા ગુરુજીને ઈશારો પણ કરી લેતો.
સમય પસાર થઈ રહ્યો છે, કાળક્રમે ગુરુજીનો દેહવિલય થયો. હવે શિષ્ય-ગુરુપાઠમાં ઉપદેશ આપવા લાગ્યા અને વિષયને બદલી લોકોનું મનોરંજન થાય તેવી કથાઓ કહેવા લાગ્યા. લોકો ખુશ અને
ગુરુજી પણ ખુશ.
એકવાર એવું બન્યું કે ગામમાં એક ઘરમાં પતિએ પત્નીને ખૂબ મારીને કાઢી મૂકી. શંક એવી તે અબળા ભયની મારી ભાગીને આ ઝૂંપડી પાસે આવી. તેણે ગુરુજીને બૂમ મારી પોતાને આશરો આપવા વિનવ્યા. ગુરુજીએ ઝૂંપડીમાંથી જ જવાબ આપ્યો કે અમે તો સંન્યાસી છીએ, વળી એકલા છીએ, રાત છે, એકાંત છે, સ્ત્રીને આશરો કેવી
૧૩૪
રીતે આપીએ ? તું અન્યત્ર ચાલી જા. શિયાળાની કડકડતી ઠંડીમાં સ્ત્રી ધ્રૂજતી હતી, તેણે ઘણાં આર્તસ્વરે ફરી વિનવણી કરી. ગુરુજીને પણ અનુકંપા આવી. તેમને એક ઉપાય સૂઝયો, તેઓ બહાર નીકળ્યા અને તે સ્ત્રીને મહાદેવના મંદિરમાં મૂકી આવ્યા, અને કહ્યું કે તું અંદરથી દરવાજો બંધ કરીને સૂઈજા કોઈ ભયનું કારણ નથી. પણ જો રાત્રે ગમે તે માણસ બારણું ઉઘાડવા કહે કે બારણાં પર ટકોરા મારે તો પણ તારે બારણું ખોલવું નહિ.
તે સ્ત્રીએ મહાદેવના મંદિરમાં ગુરુજીની વાતનો ખ્યાલ રાખી આશરો લીધો અને નિરાંતે ઊંધી ગઈ. આ બાજુ સંન્યાસીજી પોતાની ઝૂંપડીમાં ગયા. પ્રથમ તો સ્ત્રીની કંગાળ અને નિરાધાર દશાનો વિચાર આવતાં અનુકંપા થઈ, તે વિચારમાં એ સ્ત્રીની આકૃતિએ ચક્ષુમાં એવું સ્થાન લીધું કે, સંન્યાસીજી તેને જેમ જેમ ભૂલવા જાય તેમ તેમ તે આકૃતિ વધુ તાદશ્ય થતી જાય. ધાબળા પરથી ઊઠી સંન્યાસીજી બહાર આવીને બેઠા, પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. ગામનું પાદર, ચાંદની રાત, કુદરતી સૌંદર્ય, સંન્યાસીજીનું મન વાસનાથી ઉત્તેજિત થયું, પછી તો મનરૂપી અશ્વ કંઈ થોભે નહિ, વાસનાએ પગ ઉપાડયા અને સંન્યાસી મહાદેવના મંદિર આગળ પહોંચી ગયા. હવે હાથ કામે લાગ્યા, અને બારણા ખટખટાવ્યા. અંદરથી સ્ત્રીએ પૂછ્યું કોણ છે ? સંન્યાસીએ મધુર અવાજે કહ્યું કે હું જાતે જ ગુરુજી છું, બારણું ખોલ.
સ્ત્રીએ ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો કે, આપે જ મને કહ્યું છે કે ગમે તે આવે બારણું ન ખોલવું. સંન્યાસી તો બારણાને ધક્કા મારવા લાગ્યા. બારણું ખૂલ્યું નહિ, હવે ઉષાનું આગમન વાતાવરણમાં વર્તાતું હતું. સંન્યાસીનું મન પણ ઉતાવળું થયું હતું, તેમણે મગજ ચલાવ્યું અને કૂદકો મારી છાપરા ઉપર ચઢયા, ત્યાં એક નાનું બાકું હતું તેમાંથી કૂદકો મારવા વિચાર કરે છે ત્યાં યોગાનુયોગ નિત્યક્રમ મુજબ ગામના એક ભૂદેવ ‘જય ભોળાનાથ, જય શંભુ’ કરતાં કરતાં
આવી પહોંચ્યા. તેમનો અવાજ કાને પડતાં જ સંન્યાસી છાપરા પરથી કૂદકો મારીને નીચે ઊતર્યા, ચૂપચાપ પોતાની ઝૂંપડીમાં પહોંચી ગયા.
૧૩૫