________________
આત્મા જેટલે અંશે પોતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે. જેટલા અંશમાં આત્મદૃષ્ટિ યુક્ત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે. ત્રિકાલ એકરૂપ ધ્રુવ જ્ઞાયકરૂપમાં પરિણમે છે, તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. આ રીતે પરાશ્રયી ભાવનાથી મુક્તિરૂપ સ્વાશ્રયીભાવના છે. આત્માભાવના છે અને તેજ નિજત્વમાં જિનત્વની ભાવના છે જે જિનશાસનનો મૂલાધાર છે.
નિશ્ચયમાં શુદ્ધ દૃષ્ટિનો પ્રકાશ ધારણ કરીને પોતાના સ્વત્વનેવ્યક્તિત્વને પૂર્ણતાનાં બોધથી ભાવિત કરી જે વ્યવહાર કરવામાં આવે છે તે શુદ્ધ વ્યવહાર છે.
આ ર્દષ્ટિ પરાશ્રયી ભિક્ષુક વૃત્તિનું મૂલોચ્છેદન કરે છે. અને બીજી બાજુ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર, સમબુદ્ધિવંત બનાવે છે.
બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે ત્યારે ઉચ્ચતા નિચતાના ભેદ પડે છે. અને શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે.
શુદ્ધનયનું અધ્યાત્મદર્શન જ સર્વ વ્યાપ્ત વિષમતામૂલ વિષ પ્રવાહનું એ અમોધ ઔષધ છે.
પ્રાણીમાત્રમાં ચેતનાનું દર્શન કરીએ છીએ ત્યારે સર્વત્ર એકરસ, શુદ્ધ, નિરંજન, નિર્વિકાર એવા મૂળ પરમબ્રહ્મત્વનો સાક્ષાત્કાર થાય
છે.
માત્ર ચૈતન્ય જ એવું તત્ત્વ છે કે જીવ દેહમાં રહેવા છતાં તેના સ્વરૂપમાં ફરક પડતો નથી. ચૈતન્ય એવું પવિત્ર છે કે તે દેહમાં હોય ત્યાં સુધી દેહ સડતો નથી. તેની શુદ્ધતાને જાણો અને શુદ્ધતામાં રહો.
ચૈતન્યનું વારંવાર સ્મરણ થતું રહે તો આત્મ શાંતિનો અનુભવ થાય. પર પદાર્થનો મોહ જાય. દેહને આધારે જીવવું એટલે ખાવા પીવાની આસક્તિ, અહિંસાદિ દોષો, તેનાથી અશાંતિ પેદા થાય છે. આત્માના આધારે જીવવું એટલે જ્ઞાનપૂર્વક જીવવું તેમાં શાંતિ અનુભવાય છે.
ઈચ્છાઓ માનવને દરિદ્ર બનાવે છે. ઈચ્છાઓનો અભાવ માનવને અમીર બનાવે છે. મનુષ્ય જીવનનો એક શ્વાસ પણ
૨૦૨
ફોગટ જવો તે મોટું રાજ્ય ગુમાવવા જેવું છે.
નિર્વિકલ્પતા એ નિઃસંગતાનો અભ્યાસ છે. મન અને બુદ્ધિથી અગોચર એવા આત્મદર્શનની ગુરુચાવી છે. પ્રથમ અશુભ વિકલ્પથી છૂટવું. પછી શુભને પણ છોડવું. તેથી શુભ સેતુના સ્થાને છે. ત્યાર પછી શુધ્ધતાનો પ્રકાશ પથરાય છે.
પૂ. યશોવિજ્ય ઉપાધ્યાય રચિત જ્ઞાનસાર ગ્રંથનું આચમન આત્માના ગુણો પ્રગટે માટે ધન સ્વજન કે પાંચેય ઈંદ્રિયાદિના વિષયોનું તેમજ રૂપ લાવણ્યાદિનું કોઈ પ્રયોજન નથી. બધા બાહ્ય પદાર્થો આત્મસ્વરૂપમાં અવરોધક છે. સ્વસ્વરૂપના આવિર્ભાવ કરવા માટે વિઘ્નરૂપ છે. સંસારનું કારણ છે ચિદાનંદમય આત્મા ક્યારે પણ પર પદાર્થોના સંયોગથી ઉત્કર્ષ નહિ પામે.
દરેક વસ્તુનું સ્વરૂપ બાહ્ય અને અત્યંતર બે પ્રકારનું રહેવાનું. તત્ત્વદૃષ્ટિથી તેની વાસ્તવિકતા સમજાય છે. તેથી હવે ઉપાદેયનો વિવેક જાળવી શકાય છે. બાહ્ય દૃષ્ટિથી વસ્તુનું સ્વરૂપ સમજી શકાશે નહિ. યોગીઓને આત્માની સમૃદ્ધિનો પૂરો ખ્યાલ હોવાથી બાહ્ય સંપત્તિ તેમને ચલયમાન કરી શકતી નથી.
સમ્યગ્ દર્શન થયા પછી જ્ઞાનપૂર્વક ક્રિયા થાય છે. એકવાર અન્તર્મુહૂર્ત જેટલો કાળ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થઈ જાય અને કથંચિત સમ્યગ્ દર્શનનો પરિણામ જતો રહે તો પણ જીવને અન્તઃ કોટાકાટિ સાગરોપમ કાલથી અધિક બંધ થતો નથી. આ પ્રભાવ જ્ઞાનપૂર્વકની ક્રિયાનો છે. એક વાર રાગદ્વેષની તીવ્ર પરિણામરૂપ ગ્રંથિનો ભેદ થયા પછી જ્ઞાન અને ક્રિયા અન્યોન્ય પૂરક થઈ આત્માના સ્વરૂપને પ્રગટ કરે છે.
વ્યવહાર દૃષ્ટિવાળો સાધક પોતાના આત્માને કર્મોથી રાગદ્વેષથી લિપ્ત માને છે. નિશ્ચય દૃષ્ટિવાળો સાધક આત્માને અલિપ્ત માને છે. અલિપ્તો નિશ્ચયેનાત્મા, લિપાશ્વ વ્યવહારતઃ''
ઈતિ શિવમ્
... ૨૦૩