________________
(309)
મૂળ લક્ષ
પરમકૃપાળુદેવની ભક્તિ કરવી
આપણે સર્વેએ ભાવ, ભક્તિ, ગુણગ્રામ, પ્રેમ ધરવાનો છે, તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા પ્રત્યે કર્તવ્ય છે. ખેતરમાં પાણી પાવા કૂવામાંથી પાણી કાઢી નીક મારતે વહ્યું જતું હોય, તે રસ્તામાં ફાટી જાય તો, ખાડા ભરાય, પણ ક્યારામાં પહોંચે નહિ, ત્યાં સુધી ખેતી કરનારને જેમ ફાયદો નથી, તેમ જેની ભક્તિ, જેના ગુણગ્રામ કરવાના છે તે તો શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે. તેના આપણે સર્વે ઉપાસક છીએ. તેમના પ્રત્યે જેટલો પ્રેમ, ભક્તિભાવ, ઉલ્લાસ દર્શાવીએ તેટલો ઓછો છે, પણ તેને બદલે જેટલી દૃષ્ટિ અન્ય જગ્યાએ રહે છે તે બદલવી ઘટે છે. પોતાની મતિથી એમ માનવું કે આ જ્ઞાની છે, આયે જ્ઞાની છે અને જેના ગુણગ્રામ કરીશ તે એનું એ જ છે તો તે ભૂલભર્યું છેજી. પોતાનો સ્વચ્છંદ છે. જીવે પ્રેમ ઠાર ઠાર વેરી નાંખ્યો છે તે એકત્ર કરી તે ઈષ્ટ સદ્ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે ધારવા યોગ્ય છે. અન્ય ઉપકારીનો ઉપકાર માનવો, નમસ્કાર કરવા, પણ તેના ઉપાસક છે અને સાચા મોક્ષમાર્ગના તથા તે સત્પુરુષના આશ્રિત છે, એ દૃષ્ટિએ પૂ.મોટા મહારાજશ્રી તથા પૂ.મુનિદેવશ્રી પ્રત્યે વિનયભાવે વર્તવું યોગ્ય છે, પણ મૂળ લક્ષ રાખ્યા વિના જે કાંઈ થાય છે તે વિચારવા યોગ્ય છે. તો હવેથી એ લક્ષ રાખી ‘“કોઈ સંતના કહેવાથી મારી મતિ કલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર ને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું.' એમ ગણી ભક્તિ તે પુરુષની કર્તવ્ય છે. વિશેષ લખવાની જરૂર નથી આપ સમજી છો.
***