________________
અનુભવ સિદ્ધ વાણી ‘આપ્તવાણી' મહીં
પ્રશ્નકર્તા: દાદા, આપની આ આપ્તવાણી વાંચતાં વાંચતાં બે કલાક સંસાર જ અદ્રશ્ય જ થઈ ગયો !
દાદાશ્રી : તે આવા બે કલાક આવતાં જ નથી. સંસારની હાજરી તોડવી એ તો બહુ મોટી વાત છે અને આપ્તવાણી વાંચવામાં જગત ભૂલાય તો નર્યા પાપ ધોઈ નાખે. કારણ કે આમાં તો નથી સંસારમાં ને નથી મોક્ષમાં, વચલા ગાળામાં હોય, તે પાપો બધા ભસ્મીભૂત થાય. આમાં સંસાર બિલકુલેય નથી. એટલે આ આપ્તવાણી આપણું કામ કાઢી નાખે એવી છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું હોતું એમને પણ આપ્તવાણી વાંચીને એવો અનુભવ થાય છે.
દાદાશ્રી હા, તોય એને અનુભવ થાય છે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે ને એટલે. આ અક્રમ વિજ્ઞાન સંપૂર્ણ છે, ફૂલ સ્ટોપ છે અને પેલું ક્રમિકનું એ જ્ઞાન છે, વિજ્ઞાન નથી. એટલે અનુભવ ના થાય. એ જ્ઞાન કરવું પડે આપણે અને આ અક્રમ એ સમજવું પડે. આ પુસ્તક સમજી જાય તો એને અનુભવ ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા : આપ્તવાણી વાંચતા જ અંદર સેટ થઈ જાય કે આપણે જે ઈચ્છતા'તા તે વસ્તુ છે આની અંદર.
દાદાશ્રી : આપ્તવાણી વાંચીને તો કેટલાય લોકોના હૃદય પરિવર્તન થઈ જાય છે ! કારણ કે આ આપ્તવાણીનું પુસ્તક ઓર જ જાતનું છે ! એમાંય પાછી આત્માના અનુભવવાળી વાણી છે. અનુભવ વાણી કોઈ દહાડોય હોય જ નહીંને! અધ્યાત્મના અનુભવનું પુસ્તક હોઈ શકે નહીં. અનુભવનું પુસ્તક ક્યાંથી લાવે ? શાસ્ત્રીય પુસ્તક હોય અને તે કેટલો અનુભવ હોય ? તે બુદ્ધિજન્ય અનુભવ હોય, પણ આત્માનો જે જ્ઞાનજન્ય અનુભવ તે કોઈ જગ્યાએ ના હોય. તે આ આપ્તવાણીમાં એ અનુભવ જ છે.
આત્માનો પૂરેપૂરો અનુભવ પુસ્તકમાં બહાર પડેલો જ નથી.
7