________________
૨૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પહેલા નહીં. એક ફક્ત એ ક્રમિક માર્ગમાં નથી થાય એવું. કેવળજ્ઞાન થયા પછી થાય એવું છે. અને આ અક્રમ વિજ્ઞાન છે, એટલે આમાં થાય એવું છે. ચોવીસેય કલાક રમણતા રહે.
અહીં ભેદવિજ્ઞાનીની કૃપાથી આત્મા પ્રાપ્ત થાય, ત્યારે પછી એની રમણતા ઉત્પન્ન થાય અને રમણતા ઉત્પન્ન થાય ત્યારે તે રૂપ થતો જાય.
“જ્ઞાની પુરુષ' તમને અવસ્થાઓની રમણતામાંથી ઉઠાવી લઈ આત્મરમણતામાં બેસાડી દે. પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતર આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઈ જાય છે.
એક ફેરો “જ્ઞાની પુરુષ'નો ભેટો થઈ ગયો ને સાંધો મળ્યો, આત્મા પ્રાપ્ત થઈ ગયો, “સ્વરૂપની રમણતા'માં આવ્યો ત્યાર પછી રાગ-દ્વેષ મટ્યો ને થઈ ગયો વીતરાગ ! નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા ! એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઈ ગયો વીતરાગ !
અત્યાર સુધી આખું જગત એમ માને કે સ્વભાવ રમણતા એ તો અત્યંત કઠણમાં કઠણ વસ્તુ છે. વાત સાચી છે, પણ જ્ઞાની પુરુષ હોય ત્યાં આગળ આમ (માથે હાથ મૂકીને કૃપા) કરેને થઈ જાય. જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય છે.
પ્રશ્નકર્તા : સ્વભાવ રમણતા ટકવી એ તો બહુ મુશ્કેલ છે ને ?
દાદાશ્રી : મુશ્કેલ, તમારી ભાષામાં. વસ્તુ સ્વભાવમાં જાય, એને કશું કરવાનું ન હોય. આ બધા મહાત્મા સ્વભાવ રમણતા કરે છે. તમે કહો કે મુશ્કેલ છે. મુશ્કેલવાળું હોય તો બધા શી રીતે કરે ?
પ્રશ્નકર્તા સ્વભાવમાં આવી ગયો પછી મુશ્કેલી છે નહીં પણ આ સ્વભાવમાં આવવા માટે જ મુશ્કેલી છે અને એ સ્વભાવમાં લાવી આપે જ્ઞાની !
દાદાશ્રી : હા, શરૂઆત થઈ જાય.