________________
(૮.૩) મહાત્માઓની પરિણતિ
૨૧૩
પરપરિણામ ન ગમે, એને ન માને પોતાના તે જ સ્વપરિણતિ
આ જ્ઞાન આપતા પરપરિણતિ બંધ થઈ જાય. પણ અક્રમ વિજ્ઞાન છે ને. તે તમને પેલો બહાર ડખો થાય એટલે મનમાં એમ થાય કે આ શું ? પણ તમને પરપરિણતિ ઉત્પન્ન થતી નથી. પરપરિણતિ ઉત્પન્ન થાય કે ચિંતા શરૂ થઈ જાય. અહંકાર હોય તો ચિંતા ઊભી થાય, પણ તમને સફીકેશન થાય. ચિંતા-સફોકેશન બે જુદી વસ્તુ છે. ચિંતા તો ચળ ચળ જીવ બળ્યા કરે અને સફોકેશન તો અકળામણ કરાવે, આ બધા પરમાણુ ઊડે, ડિસ્ચાર્જ થાય તે વખતે ગૂંગળામણ કરાવે.
એ જુદું જોતા ના આવડે એટલે (પોતે) મનના, બુદ્ધિના પરિણામોમાં, સફોકેશનમાં ગૂંચાય. બાકી આપણી સ્વપરિણતિ ઉત્પન્ન થઈ તેને પરપરિણામ અડે જ નહીં, પણ આ તો ગૂંચાઈ જાય છે એ જગ્યાએ. એ ટૉપ પરની જગ્યાએથી જોતા નથી. એ જગ્યા જ ટૉપ વસ્તુ છે. પોતે શેમાં છે અત્યારે ? સ્વપરિણતિમાં છે કે પરપરિણતિમાં છે, એ ટૉપ પરથી જુએને તો પોતાને ખબર પડે. બીજું બધું જોવાનું નથી. બીજા બધા મનના સ્પંદનો, બુદ્ધિના સ્પંદનો, ચિત્તના સ્પંદનો એ તો પૂરણગલન છે. ભગવાનનેય પૂરણ-ચલન હતું ને આમનેય પૂરણ-ગલન છે. પૂરણ-ચલન જોડે આપણે લેવાદેવા નહીં. જે પૂરાયેલું છે તે ગલન થયા જ કરશે. જે પૂરણ થયું છે તેનું ગલન થયા વગર રહેશે નહીં, એનું નામ પુદ્ગલ. સ્વપરિણતિ ને પરપરિણતિ એ બેનું જ ધ્યાન રાખવાનું છે.
આ કયા દ્રવ્યના પરિણામ છે તે સમજી લેવાનું. પુદ્ગલ દ્રવ્યના કે ચેતન દ્રવ્યના પરિણામ છે તે સમજી લેવાનું. ચાંચ બોળતાની સાથે જ પર પરિણામ ને સ્વપરિણામ છૂટા પડવા જોઈએ.
જેને આ બહારના પરપરિણામ ગમતા નથી, “યૂઝલેસ’ (નકામા) લાગે છે ને તેને પોતાના સ્વપરિણામ માનતો નથી તે જ આત્માની હાજરી છે, તે જ સ્વપરિણતિ છે.
આત્મા છું અને આ અનાત્મા શું એ બધું ચરણવિધિમાં લખેલું છે ને, તે બધું સમ્યક્ જ્ઞાન છે. તે સમ્યક્ જ્ઞાન અંદર રહેવું જોઈએ આપણે.