________________
[૮]
સ્વભાવ-સ્વપરિણતિ-સ્વપરિણામ
[૮.૧] સ્વભાવ : પરભાવ
આત્મભાવ એ સ્વભાવ, પુદ્ગલભાવ એ પરભાવ
પ્રશ્નકર્તા: પરભાવ એટલે શું ? સ્વભાવ કોને કહેવો, જ્ઞાનીની ભાષામાં ?
દાદાશ્રી : પરભાવ એટલે આત્મભાવ નહીં એ. આત્મા સિવાય બીજા બધાય પરના ભાવ, એટલે સંસારીભાવ એ પરભાવ કહેવાય.
અને સ્વભાવભાવનો અર્થ શું? આત્મભાવના. સ્વભાવભાવ એટલે કોઈ ચીજનો પોતે કર્તા નહીં. સ્વભાવભાવમાં બીજો કોઈ ભાવ જ નહીં. એમાં તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ જ રહે.
પ્રશ્નકર્તા : પરભાવો પુદ્ગલના છે ?
દાદાશ્રી : હા, પરભાવ પૂગલના. પરભાવ એટલે બંધન કરાવનાર અને સ્વભાવ એ છોડાવનાર. જે બને છે તે પુદ્ગલનો સ્વભાવ છે અને જોવા-જાણવાનો આત્માનો સ્વભાવ છે.
પ્રશ્નકર્તા: સ્વભાવ ભાવ એ ધ્રુવભાવ છે ?