________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
‘હું શુદ્ધાત્મા’ એ અસંગભાવ, તેથી ત બંધાય કર્મ
પ્રશ્નકર્તા ઃ જ્ઞાન મળ્યા પછી કર્મ ભલે નિર્જરા થાય, તો એ નિકાલ જ કરવાનો રહે, બીજા નવા તો નહીં બંધાયને એમાં ?
૧૪૪
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું' (એ) નિર્લેપભાવ થયો, અસંગભાવ થયો, એટલે નવું કર્મ બંધાય નહીં. હવે ચાર્જ ના થાય નવું. જૂનું ડિસ્ચાર્જ થયા કરે. તમારે મહીં ‘હું શુદ્ધાત્મા’ ન્હોય ને ‘હું ચંદુ’ એવું આવી જાય ? એવું આવે એવું નથી. અમે આપેલું છે શુદ્ધાત્મા જ્ઞાન, એ બદલાય એવું નથી. હવે નિર્લેપ, લેપાયમાન ના થાય. સંગ ઉત્પન્ન ના થાય, અસંગ. આની મહીં રહેવા છતાં પોતે અસંગ છે.
સંગી ક્રિયાઓમાં જાગૃતિથી, ‘હું' આત્મારૂપે અસંગ
પ્રશ્નકર્તા : જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે છે, તેમાં શું ઉપાય રાખવાનો ? એનાથી નવો બંધ તો નહીં પડેને ?
દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે કે ‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.’ એ જાગૃતિ રહેવી જોઈએ અને ખરેખર એક્ઝેક્ટલી એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ પડતો નથી.
આ ચંદુભાઈ ભિજયાં ખાતા હોય કે રસ-રોટલી ખાતા હોય ને ટેસબંધ ખાતા હોય તો તેમાં અહંકાર છે પણ ‘હું’ નથી. ક્રિયાઓ બધી જ જડની છે. તેની સાથે આત્માને લેવાદેવા જ નથી. એ દેહની સંગી ક્રિયા કહેવાય અને આપણે મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી અસંગ છીએ. આ તો ક્રિયા એટલી બધી નજીક થાય છે તે તેમાં એમ ભ્રાંતિ ઊભી થઈ જાય છે કે ‘હું જ જમું છું.’ પણ ખરેખર તો પોતે ક્યારેય ખાતો જ નથી. ખાતી વખતે મન-વચન-કાયાની સંગી ક્રિયા થાય છે તે ઘડીએ હું ખાતો નથી, હું જુદો છું તે વખતે. સંગી ક્રિયાઓથી હું જુદો, કારણ કે જુદો હોય તો જ જાણી શકે, નહીં તો જુદો ના હોય તો જાણી શકે નહીં.