________________
૧૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી: હંડ્રેડ ટાઈમ્સ. એટલે તને ઠીક લાગે તો કાંકરી માર, ઠીક લાગે તો ફૂલ ચઢાવ અને ઠીક લાગે તો કંઈ ઈચ્છાપૂર્વક નમસ્કાર કર. એટલે તું જેવું માગું એવું, મોક્ષ માગું તો મોક્ષ મળે.
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન થયા પછી જ્ઞાની અહીં જગતમાં રહે ?
દાદાશ્રી : કેવળજ્ઞાન ગ્રહણ કરેલું તે આપવા માટે જ્ઞાનીને રહેવું પડે. તીર્થકરો બધું ગ્રહણ કરીને આવેલા પણ તે પોતે કર્તા નથી એટલે તેમનો ગ્રહણ કરેલો માલ ખાલી કરવો પડે. એટલે તે ઉપદેશ રૂપે ને આશીર્વાદ રૂપે જગતને આપ્યા જ કરે તે અબંધ અને અમને જ્ઞાનીને બંધ પડે. પણ તે શાના બંધ પડે ? ત્યારે કહે ખટપટ કરે, લ્યો, વિધિ કરો, જ્ઞાન આપીશું ને ચાલો સત્સંગ કરીએ, તમે આ કરો ને તે કરો ને તમને મોક્ષે લઈ જઈશું વિગેરે આઘાપાછી કરીએ તે નિકાલી ના હોય. તેનો અમને બંધ પડે.
પ્રશ્નકર્તા આપે કહ્યું જ્ઞાનીને બંધ પડે પણ આપ તો આત્મારૂપે જ રહો છો ને આત્મા તો અસંગ છે પછી શું વાંધો ?
દાદાશ્રી : આત્મા પોતે જ અસંગ છે, પછી શું વાંધો છે? પણ તે વ્યવહારથી પણ આવવું જોઈએ. નિશ્ચયથી તો આવી ગયું અમારે. વ્યવહારથી થોડોક જ ભાગ બાકી રહ્યો હોય. અમારે અહીં ભેગા થઈએ એટલું જ, બીજો કોઈ ખાસ વ્યવહાર રહ્યો નહીં. આટલો જ સંગ અમારે. તે આ તો ઊંચો સંગ છે ને ? પણ આયે સંગ કહેવાય. તમારે ઓછા થતા જાય છે સંયોગો, જેમ જેમ નિકાલ થતા જાય છે (તેમ) તેમ.