________________
(૬.૧) સંગમાં એ અસંગ
૧૨૯
નિઃશંક થવું એ જ મોક્ષ. પછી ક્યારેય પણ શંકા ના થાય, એનું નામ મોક્ષ. એટલે અહીં શંકા કાઢવા માટે તો આ “જ્ઞાની પુરુષ' છે. બધી જ જાતની શંકાઓ ઊભી થયેલી હોયને, ત્યારે “જ્ઞાની પુરુષ' આપણને નિઃશંક બનાવી આપે.
આત્મા આ છે એવું નક્કી થયું. નક્કી એટલે મહીં મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર બધા એક અવાજે નક્કી થાય. કોઈ વાંધો, શંકા, આશંકા, કુશંકા ઉઠાવે નહીં, ત્યારે જાણવું ક્ષાયક સમકિત થઈ ગયું. એવું થઈ ગયું તમને. મહીં કોઈ શંકા-બંકા ઉઠાવે છે હવે ?
પ્રશ્નકર્તા: ના, હવે નથી. હવે ખાસ નથી કંઈ.
દાદાશ્રી : કોઈ શંકા જ ના ઉઠાવે, ને નિઃશંકપણું થાય. નિઃશંક આત્મા જાણ્યો અને એ નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તે નિર્ભયતાથી નિઃસંગતા થાય છે.
પ્રશ્નકર્તા ઃ હા, નિઃસંગતા !
દાદાશ્રી : બીજી વાત જ નહીંને ! એ નિઃશંકતાથી નિર્ભયતા રહે, નિરંતર નિર્ભયતા રહે અને તેથી અસંગ રહી શકે. તેનું ફળ અસંગ જ છે. કૃપાળુદેવે કેવું સરસ લખ્યું વાક્ય ! નહીં ? નિર્ભયતાથી નિઃસંગતા, એટલે અસંગતા.
પ્રશ્નકર્તા: હવે આમાં તમે જે કહો, એના કાર્ય-કારણ જાણવાની હવે જરૂર નથી.
દાદાશ્રી : કારણ જાણવાનું ક્યાં રહ્યું છે ? અત્યાર સુધી કારણો જાણવા સારુ જ, શંકા-શંકા, આમ હશે કે તેમ હશે, આમ હશે કે તેમ હશે, આમ હશે કે તેમ હશે ? અત્યારે નિઃશંક થઈ ગયા, અને નિઃશંકતાથી નિર્ભય થાય, નિઃસંગ-અસંગ થાય છે. અને તેથી વીતરાગતા થાય છે. પછી શું જોઈએ ? આથી વધારે જોઈએ ? નિઃશંક થયો. જગતમાં એક માણસ નિઃશંક ખોળવો એ મહા મહા વસમી વસ્તુ છે. આત્મા સંબંધમાં નિઃશંકતા ઉત્પન્ન થાય એટલે નિર્ભય થઈ ગયો.