________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : આત્મા તો અસંગ જ છે. મિથ્યાત્વમાંય અસંગ છે. ગાયભેંસમાંય અસંગ છે. એટલે તો અમે આ વાક્ય બોલીએ છીએ, મનવચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.
અસંગતી બિલીફ બેસે તો થાય પોતે અસંગ
૧૧૮
પ્રશ્નકર્તા ઃ તો એવા અસંગ આત્માનો અનુભવ કેમ નથી થતો ?
:
દાદાશ્રી : અસંગ આત્મા તો તેમ જ છે, પણ આપણી બિલીફમાં અસંગ આત્મા છે નહીંને ! જ્યારે એ અસંગ આત્મા બિલીફમાં આવશે તો અસંગ જ છે. બિલીફમાં આવવો જોઈએ ફક્ત. એ છે પોતે જ અસંગ. તમારી બિલીફ બદલાયેલી છે તે બિલીફમાં આવવો જોઈએ. તમને ‘હું ચંદુભાઈ છું’ એ બિલીફ બદલાયેલી છે. હવે તમે અસંગ આત્મા છો એવું તમને જ્યારે બિલીફ બેસે તો થઈ જવાના અસંગ પછી. પહેલી બિલીફ બેસે. શરીર હોય એટલે બિલીફ તો બેસે. બિલીફ બદલાવી જોઈએ. આ બિલીફ રોંગ બિલીફ છે. ‘હું ચંદુભાઈ છું’ એ ફર્સ્ટ રોંગ બિલીફ અને હું વૈષ્ણવ છું, આ બાઈનો ધણી છું, આનો મામો થઉં, આનો કાકો થઉં. એવી કેટલી રોંગ બિલીફો બેઠી છે ?
પ્રશ્નકર્તા : અસંખ્ય, અગણિત.
દાદાશ્રી : આવી અસંખ્ય રોંગ બિલીફો હોય, ત્યાં સુધી રાઈટ બિલીફ હોય નહીં. રાઈટ બિલીફ બેસે એટલે અસંગની બિલીફ બેઠી કહેવાય. રાઈટ બિલીફ જેને ગુજરાતીમાં સમ્યક્ દર્શન કહેવાય. તે અસંગની બિલીફ કહેવાય. અસંગની બિલીફ બેસે એટલે અસંગ થાય.
સ્વભાવમાં આવે તો થાય પોતે અસંગ
દેહાધ્યાસ જાય એટલે પોતાના અસંગ સ્વરૂપમાં નિરંતર રહે. દેહાધ્યાસને લઈને સંગી લાગે છે. જ્યાં સુધી જ્ઞાન ન મળે ત્યાં સુધી તમે બધામાં જ ભેગા ને ભેગા જ દેખાવ. આત્મા જુદો જ છે. આત્માએ અનંત અવતાર કર્યા છે, પણ તેણે કોઈ દેહમાં, દેહ સાથે સંગ કર્યો જ નથી. ગધેડામાં, કૂતરામાં, પાડામાં, જીવડામાં, માણસમાં બધે જ ફર્યો છે પણ પોતે અસંગ જ છે.