________________
ઉપોદ્ધાત [૧] આત્માના ગુણો અને સ્વભાવ આત્માના ગુણોનો વિકાસ કરવો પડે ? ના, એ ગુણો વિકસિત જ છે. પણ પોતે આત્માને ગુણધર્મ સહિત જાણે, તે પરિણામ પામે ત્યારે આત્મજ્ઞાન થાય.
આત્મા એટલે પરમાત્મા જ છે, અનંત ગુણધામ છે. પોતાના સ્વાભાવિક ગુણો, જે ક્યારેય આઘાપાછા ના થાય એવા છે. એમાં મુખ્ય બે ગુણો – જ્ઞાન અને દર્શન. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખ આ ચાર ગુણો મોટા-મોટા, જબરજસ્ત અને બીજા બધા તો ઘણાં ગુણો ધરાવે છે, જેવા કે અમૂર્ત, અગુરુલઘુ, અવ્યય, અશ્રુત, અરૂપી વિગેરે.
આત્માના બધા ગુણો પરમેનન્ટ (શાશ્વત) છે, જ્યારે એના ધર્મ વપરાઈ રહ્યા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન એ ગુણો પરમેનન્ટ છે, જ્યારે જાણવું-જોવું એ ધર્મ ટેમ્પરરી છે.
આત્માના ગુણો આત્મજ્ઞાન પામ્યા પછી અનુભવાય છે. આકુળતાવ્યાકુળતા નહીં, નિરંતર નિરાકુળતા. અનંત જ્ઞાન હોય, તો પછી કોઈ વસ્તુ મૂંઝવે નહીં. જ્ઞાન હાજર થઈને સમાધાન આપે. પછી અનંત દર્શન હોય, તો કોઈ વસ્તુ અડચણ ના કરે, સમજણ ઊભી થઈને નિકાલ કરી નાખે. અનંત શક્તિ હોય, તો ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંય સમભાવથી નિકાલ કરી નાખે, ચિંતા-ઉપાધિ કર્યા વગર.
આમ અંશે અંશે અનુભવ વધતો જાય. બધા અંશ ભેગા કરે ત્યારે મૂળ સ્વભાવ થાય.
ભાવ એટલે અસ્તિ અને સ્વભાવ એટલે સ્વનું અસ્તિત્વપણું. આત્માનો સ્વભાવ એટલે પોતે પોતાના ગુણધર્મમાં અને પોતાની બાઉન્ડ્રીમાં જ હોય છે, એની બહાર આત્મા પોતે જતો જ નથી.
જોવા-જાણવાનો પોતાનો મૂળ સ્વભાવ. એનું ફળ પરમાનંદ, સ્વભાવથી બહાર નીકળવું, સ્વભાવની વિરુદ્ધ કરવું એ કર્મ.
15