________________
૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : આ ભાઈ પર્યાયને ના સમજે, તેથી કંઈ મોશે નહીં જવાના ? ત્યારે કહે, ના, એવું નથી. કારણ કે જ્ઞાની પુરુષના આશ્રયથી જવાનું છે ને ? જાણવા જાય તો કો'ક ફેરો બફાઈયે જાય, એના કરતા અજાણ રહ્યા એ સારું. આ તો આટલુંય સમજાયું છે. પેલા વાક્યો મૂક્યા છે ને બધા. વાક્યોને આધારે સમજાયું છે.
પ્રશ્નકર્તા: એમાં એવું છે ને દાદા, આ જ વસ્તુ બોલવાની પણ સમજણપૂર્વક જો બોલીએ...
દાદાશ્રી : તો ફળ મળે, બહુ સારું મળે અને જ્યારે ત્યારે સમજવું જ પડશે ને ? તેથી હું કહું છું કે કંઈક સમજજો. વિચાર આવતા હોય, પૂછવું હોય તે પૂછજો. પણ પેલી ઠંડક એવી રહે છે ને, પૂછવાની વાત થઈ રહેશે, હઉ થઈ રહેશે. કારણ કે ઠંડક છે ને ! હંમેશાંય માંદો માણસ હોય ને તેને આપણે કહીએ કે “સંડાસ ?” ત્યારે કહેશે, બે જણ ઝાલે ત્યારે મારાથી જવાય છે. પણ જ્યારે એની પાછળ વાઘ પડે તો ? દોડે તે ઘડીએ. બે જણ ઝાલવા-કરવાનું કશું નહીં. એ દોડે દરઅસલ, સરસ ! તેવું પેલો વાઘ પાછળ પડ્યો નથી, તેની આ ભાંજગડ છે.
છતાંય વાંધો નથી, દાદાનું જ્ઞાન છે ને ! પણ બને એટલો અસંતોષ રાખવો, થોડો થોડો. મનમાં એમ રાખવું કે આ જાણવું છે, વિશેષ પ્રકારે. અને એવું જાણવું છે તેથી તો આવે છે બધા લોકો અમસ્તા કંઈ આવે છે ? ઘેર જ નિરાંતે બેસી રહે, અહીં આગળ શા માટે આવતો હશે ? કારણ કે એની ઈચ્છા છે, ભાવના છે કે આ જાણીએ ને પૂરું કરી લઈએ.
વાત સમજે તો કામ લાગે. આ જ્ઞાન સમજવાનું જ છે, કરવાનું કશું જ નથી. સમજમાં આવ્યું, એનું પરિણામેય આવી જાય. આ સમજેય પારિણામિક છે અને પરિણામેય પારિણામિક છે. એટલે તરત જ પરિણામમાં આવી જાય. અને જે સમજથી પરિણામ ના આવે, એને સમજ જ ના કહેવાય.
પ્રશ્નકર્તા : પણ એ તો એમ કરતા કરતા અહીં આપ સમજાવો છો તો સમજાય છે.