________________
સંપાદકીય
આ જગતની વાસ્તવિકતા શું હશે એ હકીકતનું વર્ણન તીર્થંકર ભગવંતોએ કેવળજ્ઞાનમાં જોઈને કર્યું છે. એમણે કહ્યું કે આ જગત મૂળ સ્વરૂપે છ સનાતન તત્ત્વોથી બનેલું છે અને છએ તત્ત્વો એના દ્રવ્ય-ગુણપર્યાય સહિત રહેલા છે. આ છ તત્ત્વોમાંનું એક તત્ત્વ એ ‘આત્મતત્ત્વ’ એ જ ‘હું’ પોતે અને એ જ રિયલાઈઝ કરવાનું છે.
‘જ્યાં લગી આત્મતત્ત્વ ચિન્ધો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી’, તો એ આત્મા રિયલાઈઝ કેવી રીતે થાય ? એની પ્રાપ્તિ શાસ્ત્રોના અધ્યયને કે ક્રિયાકાંડથી નહીં પણ જેમણે આત્મા સંપૂર્ણ અનુભવેલો છે અને જે બીજાને આત્માની અનુભૂતિ કરાવવાને સમર્થ છે, એવા પ્રગટ જ્ઞાની પુરુષ થકી આપણને આત્મા સહજ રીતે અનુભવમાં આવી જાય છે.
કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે અને તેઓ પાપોને ભસ્મીભૂત કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. જ્યારે વેદો અંતે કહે છે કે નેતિ.. નેતિ.. નેતિ... તું જે આત્મા શોધે છે તે આમાં નહીં મળે, જીવતા આત્મજ્ઞાની પાસેથી મળશે. જો તને તેમની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, આત્મદૃષ્ટિ થાય તો તને આગળની વાતો સમજાશે. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય તો જ્ઞાની પાસે આવજે. મોક્ષ કંઈ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય નહીં. એ તો પ્રગટ દીવાથી પોતાનો દીવો પ્રગટાવવા પ્રત્યક્ષ આવવું પડે.
ક્રમિક માર્ગમાં સમ્યક્ત્વ મોહ જ્યારે બાકી રહે ત્યારે આત્મા શું હશે, કેવો હશે, શું કરતો હશે, એનું કેવું સ્વરૂપ હશે, એના શું ગુણો હશે, શું ધર્મો હશે. એમ જીવનમાં અનંત ભેદે આત્મા સંબંધી જાણવાના પ્રશ્નો ઊઠે અને આ સંસારમાં ક્યાંય રુચિ, મોહ ના હોય. એમ કરતા કરતા જ્યારે છેલ્લું આવરણ તૂટે છે, ત્યારે આત્માનો સાક્ષાત્કાર થઈ સંપૂર્ણ અનુભવ થાય છે. પોતે સંપૂર્ણ આત્મા રૂપ જ થાય છે. મૂળ આત્મા એના ગુણધર્મ-સ્વભાવ, સ્વરૂપ સહિત પૂરેપૂરો અનુભવમાં આવી જાય છે. તે જ પછી પોતાની અનુભવ વાણીમાં ઉદય હોય તેટલું, આત્માના અદ્ભુત રહસ્યો ખુલ્લા કરી શકે.
9