________________
(૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની
૩૭૯
કે આપણું કારણ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાનના કારણો સેવી રહ્યો છું. એક ફેરો પરીક્ષા આપીને નાપાસ થયા, માટે કંઈ કેવળજ્ઞાનના કારણો સેવતા નથી એવું નથી.
પ્રશ્નકર્તા : પૂર્ણ કેવળજ્ઞાન તો શક્ય નથીને આ સમયમાં ?
દાદાશ્રી : ના, શક્ય નથી કેવળજ્ઞાન. કારણ કેવળજ્ઞાન અમને થયેલું છે, કાર્ય કેવળજ્ઞાન ન થયું. એટલે તો અમે આ માસ્તર (મોનિટર) તરીકે રહ્યાને, નહીં તો અમે માસ્તર તરીકે હોઈએ નહીં. અને એ અક્રમ નીકળ્યું, કેવળજ્ઞાનની સત્તા પ્રાપ્ત કરે એવું.
કેવળજ્ઞાનના બે પ્રકાર : કારણ કેવળજ્ઞાન, કાર્ય કેવળજ્ઞાન. ભગવાન મહાવીરને કાર્ય કેવળજ્ઞાન હતું અને અમે કેવળજ્ઞાનના કારણો સેવી રહ્યા છીએ ને કેવળજ્ઞાન આપી રહ્યો છું.
વર્તે કેવળજ્ઞાત કારણ સ્વરૂપ, નહીં પરિણામ સ્વરૂપ
અમે તો કંઈ ત્રણસો સાઈઠના થયા નથી, ત્રણસો છપ્પનના છીએ. આ જે કવિરાજે વધારે પડતું લખ્યું હોય, તે તો એમનો છે તે ભાવાવેશ છે. કેવળજ્ઞાન સ્વરૂપ અમે નથી થયા. અમે કેવળજ્ઞાનના કારણ સ્વરૂપ છીએ, અમે પરિણામ સ્વરૂપ નથી. આ કેવળજ્ઞાન અમને પરિણામ પામ્યું નથી અને પામે એવુંય નથી આ કાળમાં.
પ્રશ્નકર્તા: કારણ અને પરિણામ એ બે વચ્ચેનો ભેદ સમજાવો જરા.
દાદાશ્રી: હા, તે કેવળજ્ઞાન જ્યારે પરિણામ પામે ત્યારે જે સ્વરૂપે હું છું, એ સ્વરૂપે જ અત્યારે હોય છે. મને જે સમજમાં આવે છે અગર તો મારા કારણમાં છું, તો સ્વરૂપ બેઉનું એક જ છે પણ એમના જ્ઞાનમાં બધું વર્તે છે. હા, આનો પર્યાય, ભૂતકાળના પર્યાય કેટલા થયા અને ભવિષ્યકાળના કેટલા પર્યાય થશે, એ બધું જ્ઞાનમાં વર્યા કરે એટ-એટાઈમ. જ્યારે અમને તે વર્તે નહીં, અમે એનાં કૉઝમાં હોઈએ. પણ સ્વરૂપ જે છે તે સ્વરૂપ એમણે જોયેલું છે એ જ સ્વરૂપ અમે જોયેલું છે.