________________
જગતના લોકોને એક બાજુ નિશ્ચેતન ચેતન છે તે મડદું છે, તે ડિસ્ચાર્જ થયા કરે, પણ અજ્ઞાનતા છે તો મહીં મિશ્ર ચેતનેય જોડે છે તે ચાર્જ કરી નાખે છે. જે જ્ઞાન પછી મિશ્ર ચેતન ઊડ્યું ને પોતે શુદ્ધ ચેતનમાં આવ્યો તેથી હવે ચાર્જ ના થાય.
[૮] ચળ-અચળ-સચરાચર આ શરીરમાં આત્માના બે વિભાગ છે : એક અચળ આત્મા, જે મૂળ આત્મા છે, રિયલ છે, અવિનાશી છે અને બીજો સચર આત્મા, એ પાવર આત્મા, વ્યવહાર આત્મા છે, વિનાશી છે, રિલેટિવ છે.
- જ્યાં સુધી પોતાને ભૌતિક સુખોની વાંછના છે, ત્યાં સુધી પોતે આ સચર આત્મામાં રહે છે કે “હું આ છું.”
જ્યાં સચળ આત્મા હોય, ત્યાં અચળ આત્મા હોય. ચોળાનો દાણો પલાળ્યો ને બીજે દહાડે અંકુર ફૂટે, લાગણી બતાડે ત્યાં અચળ આત્મા મહીં છે જ. અચળ આત્માના સ્પર્શથી પાવર ઉત્પન્ન થાય છે. તેનાથી સચળ આત્મા ઉત્પન્ન થયો.
દરઅસલ આત્મા એ જ પરમાત્મા છે અને જીવ એ સચર આત્મા છે. એ મિકેનિકલ ચેતન છે. અજ્ઞાનતાથી પોતાને ભ્રાંતિ ઊભી થઈ છે કે “સચર તે હું છું' એ ભૂલ છે. પોતાની જે રોંગ બિલીફ છે, તેનાથી સચરમાં હુંપણાનો આરોપ થયો છે, એમાંથી મુક્ત થાય ક્યારે ?
વ્યવહાર આત્માને સત્ય માનવામાં આવે ત્યાં સુધી ભટકવાનું અને મૂળ આત્માના દર્શન થાય, સમ્યકત્વ થાય તો ઉકેલ આવી જાય.
અચર આત્મા શુદ્ધ જ છે અને સચર આત્મા અશુદ્ધ છે. જ્યાં સુધી પોતાનો મુકામ સચર આત્મામાં છે ત્યાં સુધી સુખ-દુઃખ ભોગવવાના છે. પોતે અચળ આત્મામાં આવે ત્યારે સુખ-દુઃખ ના થાય.
લોકો જેને સ્થિર કરવા જાય છે એ મિકેનિકલ ચેતન છે અને મિકેનિકલ સ્થિર થઈ શકશે નહીં. મૂળ ચેતન અચળ જ છે. પોતે અચળ જ છે, પણ ભાન થાય તો. એટલે પોતે મૂળ સ્વરૂપને ખોળી કાઢે તો મૂળ સ્વરૂપ સ્થિર જ છે.
46