________________
૩૬૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
આત્મા જાણવો ને સર્વજ્ઞ પદમાં ફેર નથી. આત્મા જાણ્યા પછી એક જ આવરણ રહે છે, સર્વજ્ઞ પદમાં ને એમાં. અને સર્વજ્ઞ પદની ભાવનાઓ ચાલુ રહે છે. એટલે એ કારણ સર્વજ્ઞ કહેવાય છે અને પેલા કાર્ય સર્વજ્ઞ.
કારણ સર્વજ્ઞ એટલે ‘સર્વદર્શીત્વ', બુદ્ધિથી પર. સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ આગળ બુદ્ધિ એ તો સૂર્યની સામે દીવડા સમાન છે. અમારી પાસે સંપૂર્ણ જ્ઞાનપ્રકાશ છે. તેથી બુદ્ધિ નામેય નથી અમારામાં. અમે પોતે અબુધ છીએ. અબુધ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે.
એક કિનારે અબુધતા, સામે કિનારે સર્વજ્ઞ પદ પ્રશ્નકર્તા: ‘અમને બુદ્ધિ નહીં, જ્ઞાન જ એ સમજાવશો ?
દાદાશ્રી : કેવળજ્ઞાન એ મૂળ પ્રકાશ છે. એ મૂળ પ્રકાશ બુદ્ધિથી જુદો છે. બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ના થાય. બુદ્ધિને ને જ્ઞાનને પાકું વેર, બુદ્ધિ જ્ઞાન ના થવા દે. બુદ્ધિ ભટકાવી મારે, સંસારમાં ભટકાય ભટકાય ભટકાય કરે. નફો ને ખોટ બે જ જુએ બુદ્ધિ તો, બીજું જુએ નહીં, એનો ધંધો જ આ નફા-ખોટનો. ક્યાં નફો છે ને ક્યાં ખોટ છે અને મોક્ષ તો નફા-ખોટથી બહાર છે. એટલે અમારામાં બિલકુલેય બુદ્ધિ ના હોય. મહાવીર ભગવાનમાં બુદ્ધિ નહોતી. ચોવીસ તીર્થંકરોમાં બુદ્ધિ હતી નહીં.
બુદ્ધિ નાશ થયા પછી કેવળજ્ઞાન થાય. બુદ્ધિ તો અંધારું છે. બુદ્ધિ અજવાળું નથી, બુદ્ધિ એ આંધળાનું અજવાળું છે અને કેવળજ્ઞાન દેખતાનું અજવાળું છે.
પ્રશ્નકર્તા: આંધળાનું અજવાળું તો આ સંસારમાં ભટકવા માટે છે.
દાદાશ્રી : બુદ્ધિ જ ભટકાવનારી છે. અનંત અવતારથી ભટકાય ભટકાય એ જ કરે છે. બીજું કોઈ કરતું નથી. તીર્થકરોને ઓળખે છે, તીર્થકરોની પાસે બેસી રહ્યા છે તોય પણ એ ભટકાય ભટકાય કરે, મોક્ષે ના જવા દે. આટલો કીમિયો સમજી જાય ને, તો બધું ડહાપણ આવી ગયું !