________________
૩૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
હવે મહીં દાદા ભગવાન પ્રગટ થયા છે, તે મારે ને એમને જુદાઈ કેમ રહી છે ? ત્યારે કહે, અમુક કાળ જુદાઈ રહે છે ને અમુક કાળ ભેગાય થઈ જાય છે. હવે જુદાઈ એટલા માટે રહે છે કે મારામાં અને એમનામાં ડિફરન્સ (ફેર) છે. એ ત્રણસોને સાઈઠ ડિગ્રીના છે અને મારે ત્રણસોને છપ્પન છે. ચાર ડિગ્રી પરથી મને એમની પાસેથી વિશેષ પ્રકાશ મળે છે. હવે એ પ્રકાશ મારે આ દુનિયામાં કોઈ ચીજને માટે ખૂટતો નથી. ફક્ત કેવળજ્ઞાનના અંશમાં ખૂટે છે. કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે. કેવળજ્ઞાન છે પણ ખરું, પણ પાચનમાં નથી આવતું. હવે એ ચાર ડિગ્રી, એ એના માટે હેલ્પ કરે છે. એટલે હું દાદા ભગવાનને શું કરું છું ? આમ આમ હાથ જોડીને શું બોલું છું? પોતે આ બોલે એટલે પોતાના મહીં ગુલાબનું ફૂલ ખીલતા જાય છે આમાં જોખમવાળું કશું ?
પ્રશ્નકર્તા: કશું જ નહીં.
દાદાશ્રી : દાદા ભગવાન અંદર છે, “આ” દાદા ભગવાન નથી. આ તો અંબાલાલ પટેલ છે. અમે જ્ઞાની પુરુષ છીએ અને જ્ઞાની તે પાછા કેવા? જેનામાં બુદ્ધિનો એક છાંટો ના હોય એવા.
જ્ઞાની પુરુષ કારણ સ્વરૂપે, કેવળજ્ઞાની કાર્ય સ્વરૂપે પ્રશ્નકર્તા: કેવળજ્ઞાની અને જ્ઞાની પુરુષ એમાં ફેર કેટલો ?
દાદાશ્રી : કેવળજ્ઞાની કોણ કે જેને બધી વસ્તુ જ્ઞાનથી દેખાય, જ્યારે “જ્ઞાની પુરુષ'ને બધી વસ્તુ સમજમાં હોય, બાંધેભારે હોય. જ્યારે કેવળજ્ઞાનમાં પૂર્ણ ફોડ હોય, બાંધેભારે ના હોય. કેવળજ્ઞાની કાર્ય સ્વરૂપે થયેલા હોય અને જ્ઞાની પુરુષ કારણ સ્વરૂપે થયા છે, એટલે કે કેવળજ્ઞાનના કારણો સેવી રહ્યાં છે.
એટલે જ્ઞાની અને કેવળજ્ઞાનીમાં આમ કશોય ફેર નહીં. આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે પણ સત્તાએ કરીને ફેર છે. સત્તા એટલે આવરણને લઈને કેવળજ્ઞાન ના દેખાય, બહારનું દેખાય. સત્તા એની એ જ હોય. જેમ કોઈને દોઢ નંબરના ચશ્મા હોય અને કોઈને ચશ્મા ના હોય તો ફેર પડે ને ? એના જેવું છે.