________________
મિકેનિકલ આત્મા રાગ-દ્વેષ કરે છે, ખાય છે, પીવે છે, ક્રોધ કરે છે, ધર્મધ્યાન કરે છે, એને થાક લાગે, ચિઢાય છે, લોભ કરે છે, ચિંતા કરે છે. બાકી પોતે તો મૂળ સ્વરૂપે જે છે, એ કશું જ કરતો નથી.
શાસ્ત્ર વાંચે, ઉપદેશ આપે, ઉપદેશ લે, ભણે, ડૉક્ટર થાય, યોગ કરે, એને ચેતન માને છે, પણ એમાં ચેતન બિલકુલ છે જ નહીં. હવે મિકેનિકલ આત્માને પોતાનો આત્મા માની લે, તો ક્યારે મેળ બેસે ? જ્ઞાની પુરુષ સિવાય સાચા આત્માને કોઈ જાણી શકે નહીં.
‘હું પાપી છું, અશુદ્ધ છું’ એ તો મિકેનિકલ આત્માને માટે છે, મૂળ આત્મા આમાં અપરાધી નથી.
જન્મ્યા ત્યારથી આ બધું અજીવ ભાગ જ કરે છે અને અજ્ઞાનતાથી આપણે અહંકાર કરીએ છીએ કે ‘મેં કર્યું’. સ્વભાવિક અજીવ એ પરમાણુ સ્વરૂપે છે અને આ વિભાવિક અજીવ, પુદ્ગલ સ્વરૂપે છે, એનાથી સંસાર ચાલે છે.
ક્રમિક માર્ગમાં એંસી ટકા આત્મજ્ઞાન હોય તો વીસ ટકા અહંકાર હોય. આત્મા ને અહંકાર સાથે રહી શકે. અક્રમ માર્ગમાં સો ટકા સજીવ અહંકાર ખલાસ થાય છે, જ્યારે જ્ઞાન થાય છે ત્યારે. પછી સંસાર અજીવ અહંકારથી ચાલ્યા કરે છે. આત્મા જુદો જ રહે છે.
આ દેહમાં જે અદૃશ્ય છે તે જ આત્મા છે. દૃશ્યમાં આત્મા કોઈ જગ્યાએ છે નહીં.
જ્યાં સુધી પોતાને આ જગતની ભૌતિક ઈચ્છાઓ છે ત્યાં સુધી આ મિકેનિકલ ચેતન છે. પોતે પોતાના સ્વરૂપમાં બેસી જાય પછી મિકેનિકલ ચેતન બંધ થઈ જાય.
[૭] મડદું
પોતે શુદ્ધાત્મા થયા, પછી બાકી શેષમાં શું રહ્યું ? ખાય છે, પીવે છે, બોલે છે, ગુસ્સો કરે, બધું કરે છે કોણ ? જીવતું હશે કે મડદું ? જેને ચેતન જોડે બિલકુલ વ્યવહાર રહ્યો નથી એવું એ મડદું છે. એને સારી ભાષામાં નિશ્ચેતન ચેતન કહ્યું.
44