________________
૩૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
તે કેવળજ્ઞાનીના દર્શન કરવાથી થયા. પણ જો ખરી શોધખોળ કરી હોય તો કેવળજ્ઞાનીઓએ, તીર્થકરોએ !
આ બહુ સમજવાની ઝીણી વાત છે. તેથી આત્મજ્ઞાન જાણો, શાસ્ત્રોમાં શાથી કહે છે ? આત્મજ્ઞાન, આત્મા જણાય એવી વસ્તુ નથી. લોક જે બધું જોવા માગતા હોય ને આત્માની વાત, તે બધી ખોટી છે. આ આવો આત્મા ના હોય. આ આત્માનો એક વાળ જોવા મળે એમ નથી. એ તીર્થકરો એકલા જાણી ગયા અને એમના દર્શન કરવાથી કેવળી થયા તે જાણી ગયા, પણ કોઈને કહેવા ના રહ્યા.
પ્રશ્નકર્તા: કેવળી ક્યારે કહેવાય ?
દાદાશ્રી : કેવળી એટલે તો એબ્સૉલ્યુટ થઈ ગયો. કેવળી એટલે એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર. કેવળ એટલે ફક્ત. માત્ર નિરાલંબ, અવલંબન કોઈ રહ્યું નહીં, ત્યારે કેવળી થાય. કેવળી કરે સ્વનું કલ્યાણ, તીર્થકરો-જ્ઞાતી કરે અનેકોનું પ્રશ્નકર્તા: કેવળી અને કેવળજ્ઞાનીમાં કંઈ ફેર ?
દાદાશ્રી : કંઈ ફેર નહીં. કેવળજ્ઞાની એ કેવળી જ કહેવાય, પણ તીર્થકર અને કેવળીમાં ફેર. કેવળીયે કેવળજ્ઞાની ને પેલાય કેવળજ્ઞાની. પણ ફેર એટલો જ, કે આ તીર્થકરો અને જ્ઞાનીઓ, એ લોકોનું કલ્યાણ કરવા આવ્યા હોય અને આ કેવળી પોતે પોતાનું કલ્યાણ કરે, બીજાનું કલ્યાણ કરી શકે નહીં એનું નામ કેવળી. બસ, પોતાનું જ કલ્યાણ કરીને ચાલ્યા જાય.
પ્રશ્નકર્તા: પણ દાદા, પોતાનું કલ્યાણ થાય એટલે અંદરથી ભાવો તો થાયને, કે જે હું સુખ પામ્યો છું તે બીજા એવું સુખ પામે તો સારું?
દાદાશ્રી: ના, પણ એવો ભાવ એ કરે જ નહીંને ! એમનું પોતાનું જ, એમની પોતાની ભાંગફોડ તે પૂરું કરીને જતા રહે. એ ઉતાવળ કરીને જતા રહે અને તીર્થંકર પારકો માટે બેસી રહે, તેમને થોડો વખત રહેવું પડે.