________________
(૬.૧) કેવળદર્શનની સમજ
૨૯૧
સૂઝ પૂરી થયા પછી, હવે મોક્ષમાર્ગ દેખાડે પ્રજ્ઞા
પ્રશ્નકર્તા ઃ સૂઝને પ્રજ્ઞા કહેવાય ?
દાદાશ્રી : ના, પ્રજ્ઞા એ જ્ઞાન છે અને આ સૂઝ તો દર્શન. અને અજ્ઞા એ બુદ્ધિ કહેવાય.
પ્રશ્નકર્તા ઃ તો દાદા પાસે જે જ્ઞાન લે છે, એને જે બધું પછી મોક્ષમાર્ગની અંદર મદદ કર્યા કરે છે, ત્યાં સૂઝનું સ્થાન ખરું ?
દાદાશ્રી : એ પ્રજ્ઞાનું કામ. પછી પ્રજ્ઞાના કામમાં જાય. જ્ઞાન લીધું તે દહાડે સૂઝ ફૂલ (સંપૂર્ણ) થઈ જાય છે, કેવળદર્શન રૂપે થાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પછી ગૂંચવાડો ઊભો ના થાય ને !
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા મદદ કરે પછી ?
દાદાશ્રી : હા, બસ.
પ્રશ્નકર્તા ઃ આપનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું, એને હવે જે ઠેઠ મોક્ષ સુધીનો દરવાજો બતાવે છે, ગૂંચોનો નિકાલ બતાવે છે, એ સૂઝને ઠેકાણે પ્રજ્ઞા આવે છે ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા. સૂઝ તો પૂરી થઈ ગઈ આપણી, ક્ષાયિક થઈ ગયું. હવે એ પ્રજ્ઞા દેખાડે છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે ક્ષાયિક સમકિત કહેવાય, કેવળદર્શન કહેવાય. સૂઝ પૂરેપૂરી થઈ જાય, પછી એનું કામ પૂરું થઈ ગયું.
અમનેય જ્ઞાન થતા પહેલા સૂઝ પડતી'તી. સૂઝ એટલે પ્રત્યક્ષ ના દેખાય. આમ જ છે એવું લાગે, એનું નામ સૂઝ.
એટલે અમને તો દેખાય. આગળ-પાછળનું, પાછળ શું થઈ રહ્યું છે તેય દેખાય. એટલે પેલો કહેશે, ‘હું પાછળ ઊભો છું. મેં હાથ ઊંચો કર્યો કે નહીં' ? તે ના દેખાય. સ્થૂળ ના દેખાય, સૂક્ષ્મ દેખાય. જે સૂક્ષ્મ વિભાગ છે ને, એ બધું દેખાય. સમજને લીધે એ દેખાય. સ્થૂળ તો કેવળજ્ઞાન સંપૂર્ણ થાય ત્યારે બધું દેખાય.