________________
(૨) શ્રુતજ્ઞાન
દાદાશ્રી : શાસ્ત્રમાં જે જ્ઞાન લખ્યું છે ને, એ કરવા માટે નથી લખ્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે શાંતિ રાખો, દયા રાખો, ક્ષમા કરો. તે આ જ્ઞાન કરવા માટે નથી કહ્યું અને આપણા લોક કહે, ઘણુંયે જાણીએ છીએ પણ થતું નથી. થતું નથી, થતું નથી, અલ્યા, જાણ્યું એ કરવાનું જ નથી. જે જાણ્યું, પુસ્તકમાં વાંચ્યું એ બધું કરવા માટે નથી કહ્યું. માણસથી થાય જ નહીં.
૨૦૭
પ્રશ્નકર્તા : પુસ્તકમાં લખ્યું છે તે કરવાનું નથી, જાણ્યું તે કરવાનું નથી, તો શું કરવાનું ?
દાદાશ્રી : એ કરવા ગયા તેથી બગડી ગયું આ બધું. લખ્યું છે એ કરવાનું ના હોય. લખ્યું છે એ જાણવાનું હોય. લખ્યું છે એ જ્ઞાન છે, તે જ્ઞાન જાણવાનું છે. જાણ્યા પછી એ જ્ઞાન ઉપર પ્રતીતિ બેસાડવાની હોય. જ્ઞાન કરવાનું ના હોય. જ્ઞાન જો કરવા જાય તો ચેતન છે તે અચેતન થઈ જાય.
જ્ઞાત શ્રદ્ધે તો આવે ક્રિયામાં
તે ભગવાનની આ વાત સમજમાં જ ના આવી. તે બફાઈ ગયું. આખો કેસ જ બફાયો છે. શાસ્ત્રમાં જે જ્ઞાન છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે અને શ્રુતજ્ઞાન વાંચનારને મતિજ્ઞાન થાય અને મતિજ્ઞાન જાણવાનું છે.
પ્રશ્નકર્તા : મતિજ્ઞાન જાણવાનું એટલે સમજવાનું ?
દાદાશ્રી : બસ, જાણીને સમજો. સમજીને જાણવાનું અગર જાણીને સમજવાનું છે. એ બેમાંથી એક જાણવા કે સમજવાનું છે. તેને બદલે આ તો ક્રિયા ‘કરવાનું’ લઈ બેઠા, તરત ને તરત. જ્ઞાન સમજવાનું એટલે શું થાય ? પછી એનું ફળ જ આવશે. એ પ્રમાણે ક્રિયા તમારે કરવાની નહીં. એવું ફળ જ આવશે એ પ્રમાણે. તમે અહીંથી સ્ટેશનનો રસ્તો જાણી લીધો પછી એનું ફળ એ કે તમને સ્ટેશને પહોંચાડી દેશે. પણ આ તો જાણવાનું હતું તેને બદલે કરવા ગયા, જેવું લખ્યું છે એવું કરવા ગયા. એટલે વચ્ચેની એની આખી સાયન્ટિફિક પ્રોસેસ ઊડાડી મૂકી.