________________
૨૦૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પ્રજ્ઞાભાવ એક જ એવો છે કે સીડી કે પગથિયા ચઢવા ના પડે, પણ સીધા જ ઉપર પહોંચી જાય. પ્રજ્ઞાભાવ એ સ્થાયી રહી શકે તેવો ભાવ છે. એ સિવાયના ભાવ તે ભાવાભાવમાં ગણાય અને તે પણ ચંચળ ભાગમાં ગણાય, ચંચળ ભાગમાં સમાય. પ્રજ્ઞાભાવને આત્મભાવ કહેવાય.
જગત આખું જેમાં છે તે તો સપોઝિશન (ધારેલો) આત્મા છે. ક્રમિક માર્ગમાં લોકોનો માનેલો આત્મા અર્થાત્ સવિકલ્પ આત્મા અને દરઅસલ આત્મામાં સમૂળગો ફેર છે. સપોઝ આત્મામાં આત્મા છે જ નહીં. સપોઝ આત્મામાં આત્માનો અનુભવ વર્તાવો તે ચંચળ ભાગમાં આત્માનો અનુભવ થયો, એને ખરો અનુભવ ના કહેવાય. લક્ષ દરઅસલ આત્માનું હોય પણ અનુભવ ચંચળ આત્માનો જ રહે છે. દરઅસલ આત્માનો અનુભવ એ જ ખરો અનુભવ. અમે તો તમને દરઅસલ આત્માનું લક્ષ આપ્યું છે. લક્ષ આપેલું તે નિશ્ચય આત્માનું છે. તે લક્ષનું લેવલ અનુભવના લેવલે આવે ત્યારે, ભરેલા ચંચળ ભાગને લીધે વર્તાતો ચંચળ આત્માનુભવ છૂટીને, દરઅસલ આત્માનો અનુભવ થાય.