________________
(૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ
વ્યવહાર ચેતન ને આ વ્યવહાર આત્મા ને ફલાણું, આ તો ગૂંચાગૂંચ લોક કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : પરફેક્ટ વિજ્ઞાન છે, આ પાવર ચેતનનું તો !
દાદાશ્રી : પરફેક્ટ, તેની જોડે શી રીતે બન્યું આ બધું તે જાતે જોઈને કહું છું. આ તો બધું અમે જોઈને કહીએ એટલે બોલાય, નહીં તો શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આ શબ્દ ના હોય. આવો જો ફોડ હોતને તો લોકો ક્યારનાય સમજી જાય !
આ ગેડને શી રીતે સમજે માણસ ? શું ગજું? આ બુદ્ધિની પરની વસ્તુ આ. જ્યાં બુદ્ધિનો અક્ષરેય પહોંચે નહીં. જ્યાં દૃષ્ટિ જ ના પહોંચે, કશું પહોંચે નહીં, ત્યાં જ્ઞાની પહોંચે. બહુ ટૂંકી વાત ને બહુ ઝીણી વાત. જગતને તો સમજાય જ નહીં આ વાત.
હવે આ રહસ્યને શું સમજે બિચારા ? કોઈ શાસ્ત્રજ્ઞાનીયે શું જાણે તે? શાસ્ત્રોમાં લખાયું નથી, શાસ્ત્રો જાણે નહીં. આ શાસ્ત્રો શબ્દ રૂપે જાણે. જેટલું શબ્દ રૂપમાં આવે એટલું જ જાણે, એથી આગળનું જાણે નહીં. રહસ્ય જાણે નહીં ત્યાં સુધી. આ તો કેવળજ્ઞાનની નજીક પહોંચેલા છે એ જ જાણી શકે. એબ્સોલ્યુટ (પૂર્ણ) જ્ઞાનની નજીક. અમે ભેદવિજ્ઞાની એટલે આ બધું ભેદ પાડી આપીએ કે આ આત્મા ને આ ન્હોય. બધું દેખાય આત્મા જેવું, પણ આમાં આત્મા નથી. એથી આ ફસાયેલું છેને જગત આખું.
જ્યાં ચેતન માત્ર, ચેતન જેવી વસ્તુ જ નથી. વગર ચેતને આ શરીર બધું ચાલે છે. હવે એ બધું બહાર પાડે નહીં કોઈ. કોણ બહાર પાડે? તે જગત એમ માને કે મારા હાથમાં જ છે આ. હું જ છું, આને રિપેર કરવાનું છે. જેમ આ ઘરને રિપેર કરીએ છીએને એવું. પ્લાસ્ટરબ્લાસ્ટર મારીને ટેકા કરીને સ્થિર કરવાનું. તપ કરો તો સ્થિર થાય કંઈ. એ માન્યા કરે ને જગત પીસાયા જ કરે છે. અજ્ઞાનની ઘાણી પર પીસાયા જ કરે છે. ને જ્ઞાનીઓ આ બહાર પાડે નહીં, જે સાચા જ્ઞાની છે તે આ બહાર પાડે નહીં, આ બહાર પાડે તો બધું ખલાસ થઈ જાય.