________________
૫૮૩
અક્કાને ધન મોકલ્યું.
ઘરબાર વિનાની યશોમતી પિયર પહોંચી. માતા-પિતાએ વ્હાલથી તેને ઘેર બોલાવી લીધી. એકવાર ધર્મરુચિ મ. વિહાર કરતાં ગામમાં પધાર્યા. પોતાની સખીઓ સહિત યશોમતી જ્ઞાની ભગવંત પાસેથી જ્ઞાન મેળવવા લાગી.
આ બાજુ ધમ્મિલના ઘરેથી જ્યારે અભૂષણો આવ્યાં ત્યારે અક્કાએ વિચાર્યું, ‘નક્કી હવે ધમ્મિલનું ઘર ખાલી થઈ ગયું છે. તે નિર્ધન થયો છે. માટે કોઈ પણ ઉપાયે હવે તેને મારા ઘરેથી રવાનો કરી દેવો જોઈએ.’ તેણે તરત જ વસંતતિલકાને બોલાવીને કહ્યું, ‘‘હે પુત્રી ! તેની પાસે હવે કંઈ જ નથી, તું તેને પ્રેમથી છોડી દે. જે ઈક્ષુનો ટુકડો રસથી ભરેલા હોય, તેને જ માણસો ચૂસે છે. રસ વિનાના કૂચા પશુને આરોગવવા યોગ્ય છે. આપણા કુળની રીત તો ધનવાન સાથે પ્રીત કરવાની છે. બેટી! ધમ્મિલને છોડી બીજા સાથે પ્રીત કર!'' વસંતતલિકાએ કહ્યું, ‘‘માતા! ખીરનીરની જેમ મારી પ્રીત બંધાણી છે. તે તૂટે તેમ નથી. આ ભવમાં બીજા પુરુષ સાથેની પ્રીત ન કરવી એવો મેં નિયમ કર્યો છે. હું કોઈ પણ પરિસ્થિતિમાં તેને છોડીશ નહિ.'
,,
અક્કાએ ધમ્મિલનો સાથ છોડાવવા બીજી યુક્તિ વિચારી. અક્કાએ દેવતાની માનતા (બાધા)ના ઉદ્દેશથી ઓચ્છવ માંડયો. સહુને મિષ્ટ ભોજન કરાવ્યું. પોતાની પુત્રી અને ધમ્મિલને ચંદ્રહાસ મદિરાનું પાન કરાવ્યું. બંને જણાં અચેતન જેવા બની ઊંઘી ગયા. પાછલી રાત્રિએ વિશ્વાસુ દાસીને સાથે લઈ અક્કાએ કુમારને ઉપાડયો અને રથમાં નાંખ્યો. દાસી ધમ્મિલને વનાંતર મૂકી આવી.
પ્રભાત થતાં વસંતલિકા જાગી. ધમ્મિલકુમારને ન જોયો. અક્કાએ પૂછયું. અક્કાએ કહ્યું, ‘‘નિર્ધન નાસી ગયો લાગે છે. બેટી ! સૂકા વૃક્ષની છાયા કેવી હોય!’’ વસંતલિકા જમીન પર ઢળી પડી. શીતળ પવન નાખતાં અને ચંદનજળનો છંટકાર કરતાં ચેતના વળી. તેને માતાના કાવતરાની ગંધ આવી ગઈ.
મદિરાનો નશો ઉતરતાં ધમ્મિલ જાગ્યો. ચારે બાજુ જોવા લાગ્યો. નિર્જન સ્થાન હતું. વિચારવા લાગ્યો કે, ‘વેશ્યા, વાઘ, અગ્નિ, રાજા અને સર્પ કોઈની ઉપર પ્રેમ કરતાં નથી. મારા પિતાએ દ્રવ્ય આપવામાં કમી રાખી નથી. જ્યાં દ્રવ્ય આપવાનું બંધ થયું ત્યાં વેશ્યાએ મને છોડી દીધો.’ તે પોતાના ઘરે આવ્યો. માતાપિતાને ન જોયાં. પાડોશી પાસેથી જાણવા મળ્યું કે, ‘માતાપિતા પરલોક પહોંચ્યા છે અને યશોમતી પિયર ચાલી ગઈ છે.’ ધમ્મિલ મૂર્છિત થયો. સરોવરમાં સ્નાન કરી વડના વૃક્ષ નીચે સૂતો. ક્ષણભર નિંદ્રા આવી ગઈ.
નીચની સંગતનાં ફળ કેવાં કટુ હોય છે!
આદિનાથ ભગવાન
ફાગણ વદ આઠમના દિવસે અર્ધ રાત્રિના સમયે ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ધનરાશિમાં ચંદ્ર આવ્યો ત્યારે નાભી કુલકરના પત્ની મરુદેવા માતાએ એક અત્યંત તેજસ્વી બાળકને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યું ત્યારે માતાએ ચૌદ સ્વપ્ન જોયાં હતાં. તેમાં પ્રથમ વૃષભને જોયો તેમજ પ્રભુની સાથળમાં વૃષભનું ચિહ્ન હોવાથી બાળકનું નામ ‘ૠષભ’ રાખવામાં આવ્યું.
પ્રભુનો જન્મ થતાં ચોસઠ ઈન્દ્રો, દેવો વગેરે જન્મમહોત્સવ કરવા ભરતક્ષેત્રમાં આવ્યા. તેમણે માતાને તથા જિનેશ્વર ભગવંતને પ્રદક્ષિણા આપી નમસ્કાર કર્યા. ત્યાર પછી સૌધર્મેન્દ્રે મરૂદેવા માતાની સ્તુતિ કરી અને પાંચ રૂપ કરી ભગવાનને મેરૂપર્વત પર લઈ ગયા. ત્યાં શાશ્વત સિંહાસન ઉપર સ્નાત્રાભિષેક કરવા પ્રભુને ખોળામાં લઈને બેઠા. સ્નાત્રાભિષેક કરી ભાવપૂજા તરીકે પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુને લઈ પાછા પિતૃગૃહે લાવી માતાના પડખામાં સ્થાપિત કર્યા.