________________
૫૮૦
નટકન્યા સહિત તેનું બધું હરી લેવાની ધૂનમાં હતો, તેથી ઈલાતીપુત્રનો કાંટો કાઢી નાખવા તત્ત્પર હતો.
ચોથે દિવસે ઈલાતીપુત્ર રાજાને ખુશ રવા વાંસ ઉપર ચડવા તૈયાર થયો. તે જ વખતે તેને અચાનક વિચાર આવ્યો કે, ‘ત્રણ ત્રણ દિવસો થયા છતાં રાજા ખુશ કેમ થતો નથી?' વાંસ ઉપર ચડી રાજાના મનોભાવને કળવાનો પ્રયત્ન કર્યો. કામીજનોની ઈન્દ્રિયોની કામચેષ્ટા છૂપી રહી શકતી નથી. ઈલાતીપુત્રએ રાજા ઉપર નજર નાખી. તેના મનોભાવોને પામી ગયો. ‘રાજાનું મન મારી પ્રિયામાં આસક્ત બન્યું છે એથી રાજા મારા મરણને ઈચ્છે છે.’ આ પ્રત્યાઘાતે ઈલાતીપુત્રનો વિવેક જાગૃત થયો. ‘અહો ! વિષયની વિષમતા કેવી છે? ધિક્કાર છે આ વિષયને, જેની આધીનતાથી હું પણ મુંઝાયો. આ રાજા પણ કામવિવશતાના યોગે, નીચકુળમાં ઉત્પન્ન થયેલી આ નટડીમાં આસક્ત થઈ ગયો છે તેથી મને મારી નાંખવા મારી પાસેથી વારંવાર જોખમી નૃત્ય કરાવે છે. રાજાના અંતઃપુરમાં દેવાંગના સમાન ઘણી રાણીઓ હોવા છતાં રાજા પણ આ નટકન્યામાં આસક્ત બન્યો છે. ખરેખર! કાગડો જેમ ભર્યા તળાવના પાણીને છોડીને બેડાના પાણી પીવા જાય છે, તેમ નીચ લોકો પોતાની પત્નીને છોડી પરસ્ત્રીમાં લંપટ બને છે! ખેર, મેં કામાધીન બની માત-પિતાને તરછોડયાં. તેમની શિખામણ અવગણી હું નટમંડળીમાં ભળ્યો, નટકળા શીખ્યો, છેવટે ઇનામ મેળવવા પણ નીકળ્યો! વિષયસુખની વાંછામાં મેં કુળને કલંક લગાવ્યું. ધિક્કાર છે મને! મેં કારમી મૂર્ખાઈ કરી છે. મેં વિરાગને છોડી વિષયને અપનાવ્યો છે. મેં હાથીને વેચી ગધેડાની ખરીદી કરી છે! ધિક્કાર છે મને મારા કર્મને!' ઈલાતીપુત્ર વૈરાગ્ય વાસિત હૃદયવાળો બન્યો. તે જ વખતે તેની નજર એક મહાશ્રેષ્ઠીના ઘર ઉપર પડી. ઈલાતીપુત્રએ જોયું કે શેઠના ઘરમાં કેટલાક મુનિરાજો ભિક્ષાર્થે પ્રવેશ્યા. મુનિરાજો ઘરમાં પ્રવેશ્યા, કે તરત જ શેઠની પુત્રવધૂ મોદકનો થાળ લઈને મુનિરાજોની સામે આવી. શેઠની પુત્રવધૂ રૂપમાં રંભાને હરાવે તેવી હતી. એકાંત સ્થળ છે, છતાં મુનિરાજો એ યુવતીને જોવા આંખ ઊંચી કરતા નથી. મુનિરાજ ભિક્ષાગ્રહણ કરી ઈરિયાસમિતિનું પાલન કરતા ચાલ્યા ગયા.
ઈલાતીપુત્રે અનુપમ દૃશ્ય જોયું. ઈન્દ્રિયોનો અપૂર્વ નિગ્રહ સાધ્યો છે એવા મુનિરાજો ઈલાતીપુત્રના હૈયામાં વસી ગયા. મનોમન મુનિવરોને ધન્યવાદ આપ્યા. અકાર્યો કરવામાં આળસુ, પ્રાણીવધ કરવામાં પાંગળા, પરનિંદા સાંભળવામાં બહેરા અને પરસ્ત્રી જોવામાં પ્રજ્ઞાચક્ષુ જેવા આ મુનિવરો ધન્ય છે. તે વંદનીય છે. ક્યાં એ મહાત્મા અને ક્યાં હું ? હું નીચકુળમાં ઉત્પન્ન થયેલી નટકન્યામાં વિષયસેવનની ઈચ્છાથી | લુબ્ધ થઈ ગયો. ધિક્કાર છે મને!'
આત્મનિંદા કરતાં કરતાં ઈલાતીપુત્ર શુભધ્યાનમાં આરૂઢ થયા. ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયું. તરત જ નિકટવર્તી શાસન દેવતાઓએ પરમ પુરુષને મુનિવેશ આપ્યો. ઈલાતીપુત્ર અણગારે ધર્મોપદેશ આપ્યો. કેવળજ્ઞાની મુનિવર ઈલાતીપુત્રનો ધર્મોપદેશ વિરામ પામ્યો ત્યારે રાજાએ પૂછયું, ‘‘આપને આ નટકન્યા વિષે રાગ થયો તેનું કારણ શું?''
ઈલાતીપુત્ર મહાત્માએ કહ્યું, “પૂર્વે વસંતપુર નામના નગરમાં મદન નામે રાજપુરોહિત બ્રાહ્મણ હતો. તેની મોહિની નામે ધર્મપત્ની હતી. બન્નેને એકબીજા પ્રત્યે ગાઢ અનુરાગ હતો.
એ દંપતીને એકવાર સુગુરુનો યોગ થયો. એ સુગુરુએ તેમને ધર્મોપદેશ આપ્યો. બન્નેએ વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી.
મદન અને મોહિની દીક્ષિત બનીને ધર્મનું પાલન કરવા લાગ્યા. તેઓ પોતપોતાની વચ્ચેની ગાઢ પ્રીતિને તોડવામાં નિષ્ફળ નીવડયાં. સંયમાચારોને સેવવા છતાં તેઓ બન્ને મરણ પર્યંત પરસ્પર પ્રીતિવાળા જ રહ્યા.