________________
૫૬૯
કુમાર પરસ્ત્રીમાં વિષયાસકત બન્યો તેથી અશુચિથી ભરેલા કૂવામાં અનહદદુઃખ પામ્યો.
સિંહગુફાવાસી મુનિ (ઉપદેશમાલા-ભાષાંતર, પૃ ૧૦૦.) પાટલીપુત્રમાં નંદ રાજાના રાજ્યમાં ‘શ ડાલ' નામના મંત્રી હતા. તેમની લાચ્છલદે નામની પત્ની હતી તેમજ સ્થૂલિભદ્ર અને શ્રીયકનામના બે પુત્રો અને યક્ષા આદિ સાત પુત્રીઓ હતી.
સ્થૂલિભદ્ર મિત્રો સાથે વનવિહાર કરવા ગયા. ત્યાં કોશા નામની ગણિકાએ તેમને જોયા. સ્થૂલિભદ્રના રૂપથી મોહિત થઈ. કોશાએ સ્થૂલિભદ્ર સાથે વાતચીત શરૂ કરી. વાગૂ ચતુરાઈથી સ્થૂલિભદ્રનું ચિત્ત ચોરી લીધુ. સ્થૂલિભદ્ર કોશાના રૂપ અને ગુણથી રંગાઈ ગયા. તેઓ કોશાને ત્યાં ૧૨ વર્ષ સુધી રહ્યા. શકપાલ મંત્રીએ સાડાબારકરોડ સોનામહોર વેશ્યાને ત્યાં મોકલી.
વરરુચિ બ્રાહ્મણની કુટનીતિથી શકપાલ મંત્રીનું મૃત્યુ થયું. શ્રીયકને મંત્રી પદ આપવા માટે રાજ દરબારમાં બોલાવી લાવ્યા. પોતાના મોટાભાઈનો હક લેવા શ્રીયકે ના પાડી. રાજસેવકો સ્થૂલિભદ્રને બોલાવી લાવ્યા. રાજનીતિના ષડયંત્રથી મૃત્યુ પામેલા પિતાના આઘાતને સ્યુલિભદ્ર જીરવી ન શક્યા તેથી રાજમુદ્રાનો અસ્વીકાર કર્યો તેમજ વિષયસુખનો પણ ત્યાગ કર્યો કારણ કે જે વિષયસુખોમાં ગળાડૂબ રહેવાથી જ પિતાના મૃત્યુની પણ ખબર ન પડી.
વૈરાગી બનેલા સ્થૂલિભદ્ર શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. એકવાર ગુરુની આજ્ઞા લઈ સ્થૂલિભદ્રમુનિ કોશાના આવાસમાં ચાતુર્માસ માટે રહ્યા. કોશાએ સ્થૂલિભદ્રમુનિને પોતાના બનાવવા ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ ધર્મએ કામ પર વિજય મેળવ્યો. કોશા સમ્યકત્વ સહિત બાર વ્રતધારી શ્રાવિકા બની ગઈ. ચાતુર્માસ પૂર્ણ થતાં સ્યુલિભદ્રમુનિ સંભૂતિવિજય મહારાજ પાસે આવ્યા. ષસ ખાઈ મોહ ઉત્પન્ન થાય તેવા સ્થાનમાં રહી મોહવિજેતા બનેલા પોતાના શિષ્યને ગુરુએ “દુષ્કર, દુષ્કર’ એમ ત્રણ વાર કહી નવાજ્યા ત્યારે સિંહગુફાવાસી મુનિને મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ.
બીજું ચાતુર્માસ કોશા ગણિકાની બેન ‘ઉપકોશા'ને ત્યાં કરવાની સિંહગુફાવાસી મુનિએ ગુરુ પાસે આજ્ઞા માંગી. ગુરુએ રોક્યા પરંતુ અભિમાની મુનિ રોકાયા નહીં. ઉપકોશાના રંગમહેલમાં ચાતુર્માસ રહ્યાં. ઉપકોશાએ સોળે શણગાર સજ્યા. ઉપકોશાના અંગમરોડ, મારકણી આંખો અને હાવભાવમાં મુનિ તણાયા. વેશભૂલાણો. સિંહગુફાવાસી મુનિ કામથી પરવશ બન્યા. તેમણે ઉપકોશા પાસે ભોગની માંગણી કરી. કોશાએ કહ્યું, “અમે નિર્ધનને આદર આપતા નથી.' મુનિ ધન મેળવવા ઉપાયો વિચારવા લાગ્યા. સિંહગુફાવાસી મુનિને અચાનક યાદ આવ્યું કે, “નેપાળના રાજા નવા સાધુને લાખ રૂપિયાની રત્નકંબલ આપે છે. હું રત્નકંબલ લઈ આવી વિષયસુખની મહેચ્છા પૂર્ણ કરું.’
કામની ઝંખનાએ મુનિ ચાર્તુમાસ કલ્પના સિદ્ધાંતને ભૂલ્યા. ચાલુ વર્ષાકાળમાં નેપાળ ગયા. ઘણી જીવહિંસા કરી, ઘણી મુશ્કેલીઓ વેઠી નેપાળ પહોંચ્યા. નેપાળના રાજા પાસેથી રત્નકંબલ મેળવ્યું. માર્ગમાં પાછા ફરતાં ચોરોએ રત્નકંબલ ચોરી લીધું. પુન: નેપાળ ગયા. નેપાળનરેશે રત્નકંબલ આપ્યું. આ રત્નકંબલા વાંસમાં છુપાવીને ચોરપલ્લી પાસેથી નીકળ્યા ત્યારે ચોરપલ્લીના પોપટે આ વાત ચોરોને કહી. મુનિ સાચું બોલ્યા તેથી ચોરોએ સાધુ જાણી દયા ભાવથી છોડી દીધા. જેમ તેમ સાચવીને રત્નકંબલ લઈ ઉપકોશાને આપ્યું. ઉપકોશાએ રત્નકંબલ વડેપગલૂછયા અને ગટરમાં ફેંકી દીધું.