________________
૫૬૦
મણિરથરાજા (ઉત્તરાધ્યયન સૂ. અ.૯, નમિપ્રવજ્યા)
ભરતક્ષેત્રના માલવદેશમાં સુદર્શન નામની નગરી હતી. ત્યાં મણિરથ રાજા રાજ્ય કરતા હતા. તેમના નાના ભાઈનું નામ યુગબાહુ હતું. તેમને યુવરાજ પદે નિયુક્ત કરવામાં આવ્યા. યુગબાહુની પત્નીનું નામ મદનરેખા હતું. તે ઘણી જ સુંદર અને સુશીલ હતી. મદનરેખાને ચંદ્રયશ નામનો પુત્ર હતો.
એકવાર મદનરેખાએ સ્વપ્નમાં ચંદ્ર જોયો. તેણે પ્રાતઃકાળે પતિને સ્વપ્નનું ફળ પૂછયું. યુગબાહુએ કહ્યું, ‘‘પ્રિયે! તમને ચંદ્ર જેવો સુખપ્રદ પુત્ર થશે.’’ આ પ્રમાણેનું સ્વપ્ન ફળ સાંભળી મદનરેખાને ખૂબ હર્ષ થયો. ગર્ભના પ્રભાવે રાણીને નિગ્રંથ મુનિવરોના દર્શન કરવાનાં મનોરથ જાગ્યાં. આ ઉપરાંત તત્ત્વ શ્રવણ, સુપાત્રદાન અને અનુકંપા દાનના ભાવ પ્રગટયાં. યુગબાહુ યુવરાજે પોતાની પ્રિય રાણીના સર્વ મનોરથ પૂર્ણ
કર્યાં.
એકવાર મદનરેખા મહેલની અગાશીમાં બેસી સ્નાન કરી રહી હતી. તે વખતે મણિરથ રાજાની દૃષ્ટિ તેના ઉપર પડી. તેનું રૂપ જોઈ મણિરથ રાજાના અંતઃકરણમાં કામાગ્નિ પ્રગટયો. ‘મદનરેખાને પોતાની બનાવવા અનેક ઉપાયો વિચારી રહ્યો.''
ભાગ્યવશાત્ એ સમયે રુદ્ર નામના કોઈ રાજાએ નગર ઉપર આક્રમણ કર્યું. મણિરથ રાજા જાતે યુદ્ધ કરવા તૈયાર થયો. યુગબાહુને ખબર પડતાં તેમણે મોટાભાઈને રોક્યા. ‘‘હે ભ્રાતા! મારી ઉપસ્થિતિમાં તમે યુદ્ધ કરવા જાવ તે બિલકુલ યોગ્ય ન કહેવાય. આ કાર્ય માટે હું જ જઈશ.'' મોટાભાઈની આજ્ઞા મેળવી યુગબાહુ યુદ્ધ માટે રવાના થયા.
યુગબાહુના ગયા પછી મણિરથે મદનરેખાને પ્રસન્ન કરવા દાસી સાથે પુષ્પ, તામ્બુલ, વસન અને આભૂષણો મોકલાવ્યા, મદનરેખાએ ભોળા ભાવે ‘જેઠજી નો પ્રસાદ છે’ તેવું કહી લઈ લીધાં. હવે મણિરથે દાસી દ્વારા કહેવડાવ્યું કે ‘‘મારું મન તારા રૂપમાં પાગલ બન્યું છે. જો તું મારો સ્વીકાર કરે તો હું તને મારા રાજ્ય ની સ્વામિની બનાવું.'' મણિરથની અનુચિત વાતો સાંભળી મદનરેખાએ દાસી મારફતે કહેવડાવ્યું કે, ‘‘હું આપના નાના ભાઈની ધર્મસંગિની છું. આપનું વચન શોભારૂપ નથી. શિષ્ટ પુરુષો લોકવિરૂદ્ધ નીંદનીય કાર્ય કરતાં નથી. પરસ્ત્રી ગમે તેટલી લાવણ્યમયી હોય છતાં ઉતરેલા ધાન્ય જેવી જ ગણાય. હું તમારા નાના ભાઈની પત્ની છું એટલે પુત્રી સમાન જ લેખાવું. પરસ્ત્રીની ઈચ્છા મહાદુ:ખોનું કારણ છે.’’ મણિરથે પોતાનો દુરાગ્રહ છોડ્યો નહીં. મદનરેખાને હવે શીલભંગનો ભય હતો. તેણે પતિને પાછા બોલાવવા એક દૂત મોકલ્યો. દૂત જ્યારે યુગબાહુ પાસે પહોંચ્યો ત્યારે યુગબાહુ શત્રુઓને પારાજિત કરી પાછા વળી રહ્યા હતા. યુગબાહુએ કદળીવનમાં પડાવ નાખ્યો. યુગબાહુના આગમનના સમાચાર દૂતે મદનરેખાને આપ્યા. મદનરેખા કદળીવનમાં પતિને મળવા ગઈ. તેણે મણિરથનો સઘળો વૃત્તાંત પતિને કહ્યો. યુગબાહુને વિશ્વાસ ન આવ્યો. આ બાજુ મણિરથે પ્રથમ યુગબાહુને વિશ્વાસમાં લેવો અને ત્યાર પછી તેનું કાસળ કાઢી નાખવાનું વિચાર્યું. ‘યુગબાહુના ગયા પછી એકલી પડેલી મદનરેખા અવશ્ય મારી બનશે. જો તે નહીં માને તો જબરદસ્તી
તેને મારે આધીન બનાવીશ.'
પોતાના માર્ગમાં કાંટા સમાન યુગબાહુને દૂર કરવા મણિરથ ઝેરનો પટ આપેલી તલવાર હાથમાં લઈને કદલીવનમાં જવા રવાના થયો. દ્વારપાળને પૂછ્યું, “યુગબાહુ અત્યારે ક્યાં છે?’’ દ્વારપાળે કહ્યું, “તેઓ કદલીવનમાં અત્યારે સૂતા છે. પરંતુ મહારાજા આપે અહીં આવવાની તકલીફ કેમ લીધી ?’’ મણિરથે