________________
૫૬૬
મહારાજા શ્રેણિકને બેહદ આશ્ચર્ય થયું, સાથે સાથે સંપત્તિનો ભોગવટો ન કરી શકનારા મમ્મણ શેઠ પ્રત્યે હમદર્દી પણ વર્તાવી. તેમણે કહ્યું, ‘‘મમ્મણ શેઠ! હું તમને રત્ન આપું.’’ મમ્મણ શેઠે કહ્યું, ‘‘રાજન્! મારી પાસે અમૂલ્ય રત્ન છે. મને તો તેવું જ અમૂલ્ય રત્ન જોઈએ છે. તમારા રત્નને હું શું કરું? તમે મારી હવેલીમાં પધારો હુંતમને રત્ન બતાવું.’'
મહારાજા શ્રેણિક મમ્મણ શેઠની સાત માળની ઊંચી હવેલીમાં આવ્યા. હવેલીની દિવાલો રંગબેરંગી આરિસાથી જડેલી હતી. જાણે શાલિભદ્રનો સુંદર આવાસ જોઈ લ્યો! હવેલીના ભોંયતળીયાની નીચે ભોંયરું હતું. આ ભોંયરામાં શેઠે સુવર્ણના ચાર બળદો બનાવી મૂક્યા હતા. આ બળદમાં સાચા રત્નો જડેલાં હતાં. મહારાજા શ્રેણિક તેની સંપત્તિને જોઈ આવાક્ બની ગયા. તેમના મનમાં થયું, ‘આટલો શ્રીમંત છતાં લોભી!'
મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર પાસે આવ્યા. પ્રભુને વંદન કરી, હાથ જોડી મમ્મણ શેઠની સખેદાશ્ચર્ય સ્થિતિ અંગે પ્રશ્ન પૂછયો. ‘‘પ્રભુ! મમ્મણ શેઠ શ્રીમંત હોવા છતાં સારું ભોજન, સારાં વસ્ત્રો કેમ પહેરી શકતાં નથી ?
ભગવાન મહાવીરે કહ્યું, ‘‘મગધેશ્વર! મમ્મણ શેઠ પૂર્વ ભવમાં શ્રાવક હતા. કોઈના ઘરે શુભ પ્રસંગ
હોવાથી ગામમાં કેસરીયા મોદકની લ્હાણી થઈ. મમ્મણ શ્રાવકના ઘરે પણ લ્હાણીમાં અત્યંત સ્વાદિષ્ટ લાડવા આવ્યા. તે જ સમયે મુનિરાજ પધાર્યા. મુનિ તપસ્વી હતા. શેઠે હૈયાના ભાવથી એ લાડવા મુનિને વહોરાવી દીધા, અને અનુમોદના કરી રહ્યા. મુનિ તો ભિક્ષા વહોરીને ચાલ્યા ગયા. એ લાડવાની થોડીક કરચ થાળમાં રહી ગઈ હતી, શેઠે એ કરચ ચાખી અને એમના વિચાર બગડ્યા. ‘અરે! મેં આવા સ્વાદિષ્ટ લાડવા મુનિ ના પાડતા હતા, તોય બધા જ વહોરાવી દીધા ? કેટલો સુંદર આનો સ્વાદ છે! આવા લાડવા મને હવે ક્યારે ફરી ચાખવા મળશે ? મેં મોટી ભૂલ કરી નાખી ! પહેલા લાડવા ચાખી લીધા હોત, તો આવું ન બનત. પરંતુ હજી ય કંઈ બગડયું નથી. મુનિ કંઈ બહુ દૂર નહિ ગયા હોય, મુનિ પાસેથી થોડા લાડવા પાછા લઈ આવતા મને વાર નહિ લાગે!'
ને એ શેઠ મુનિના પગલે પગલું દબાવીને દોડયા. શેઠે સાદ પાડી પાડીને મુનિને ઊભા રાખવા પ્રયાસ કરી જોયો, પણ એ મુનિ તો આગળ ને આગળ જંગલ તરફ જઈ રહ્યા હતા. એક નજર પાછળ કરીને મુનિએ શેઠને જોઈ લીધા અને બધી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. એમને થયું કે, ‘ચોક્કસ, આ શેઠ લાડવા પાછા લેવા આવતા લાગે છે’ વહોરેલું તો પાછું અપાય નહીં, એથી મુનિ સમય વર્તે સાવધાન બની ગયા. અને જંગલમાં એક તરફ જઈને એમણે બધા લાડવા ધૂળમાં ચોળીને પરઠવી દીધા. એટલામાં શેઠ ત્યાં આવી ગયા. એમના દુઃખનો પાર ન રહ્યો. ‘રે! મેં અપાત્રે દાન દીધું. આ મુનિએ ખાધું નહિ કે ખાવા ય ન દીધું ! ખરેખર મેં રાખમાં ઘી ઢોળવા જેવું અવિચારી કાર્ય કર્યું!’ અત્તરની શીશીને વારંવાર ખોલબંધ કરવાથી તેની ફોરમ નષ્ટ થાય છે, તેમ મમ્મણ શેઠે દાન આપીને વારંવાર પસ્તાવો કર્યો તેથી દાનનું લોકોત્તર ફળ નષ્ટ થયું.
મુનિને તો હવે ઠપકો આપવાનો કોઈ અર્થ ન હતો, એથી મુનિ પર મનોમન ગુસ્સે ભરાતા એ શેઠ પાછા ફર્યા. આ પાપ અનાલોચિત જ રહ્યું અને તેઓ મરીને મમ્મણ શેઠ બન્યા. એકવાર અનુમોદનાની ભાવનાપૂર્વક દાન કરેલું, એથી મમ્મણ શેઠના ભવમાં લક્ષ્મી અઢળક મળી, પણ એનો સદુપયોગ કરવાનું પુણ્ય નહોતું બંધાયું, એથી કોઈ ભિખારી કરતાંય બદતર જીવન જીવવાનું મમ્મણ શેઠના ભાગ્યમાં આવ્યું અને તૃષ્ણાના યોગે એમના માટે નરકગતિ નિશ્ચિત બનવા પામી.