________________
૫૬૨
૩. મુખ્ય અવાંતર કથાઓ
"શાલિભદ્રનો પૂર્વ ભવ (જૈન કથા રત્નકોષ - ભા.૧, પૃ.૧૪૨) ધરતીનો છોરુ સંગમ હતો તો ભરવાડ! પણ એનું દિલ દિલાવર હતું. એનો પ્રેમાળ ચહેરો, એની હેતાળ વાણી, એનું રસાળ જીવન અને એની રમતિયાળ-વૃત્તિ જોતાં ભલભલાને એની પર હેત જાગી જતું. પિતા ગુજરી ગયા હતા, છતાં સંગમને એની ખોટ ધન્યાએ ન જણાવી દીધી. પોતાના બેટા સંગમને ઉની આંચ. પણ ન આવે, એ માટે એ દળણાં દળતી હતી ને શ્રીમંતોના ઘરકામ કરતી હતી. આમ મા-દીકરાનો સંસાર ચાલી રહ્યો હતો.
સંગમ પણ કંઈ કમ ન હતો. ઘરની બધી પરિસ્થિતિ જોયા પછી, પોતાની ફરજ અદા કરવા એ પશુઓને ચરાવવા જતો. દિવસભર એ પશુઓને ચરાવતો. સમી સાંજે ઘરે આવતો. અને ત્યારે ફરજ અદા કર્યાનો સંતોષ એના મોં પર તરવરતો. એ સંતોષ જોઈને ધન્યા પણ હસી ઊઠતી. પોતાના પતિદેવના મૃત્યુ પામી જતાં, એ નોંધારી બની હતી. સંગમ એ નોંધારીનો આધાર હતો.
છેલ્લા કેટલાક દિવસોથી સંગમ પોતાની જાતને બડભાગી લેખી રહ્યો હતો. એ જે જંગલમાં પશુઓને ચરાવવા જતો હતો, ત્યાં એક વૃક્ષની ઘનઘોર ઘટાનીચે, એક મુનિ કાઉસગ્ગ મુદ્રામાં ખડા રહેતા હતા. સંગમાં મુનિને જોતો ને મલકાઈ ઊઠતો. એ વિચારતો: ઓહ! આ મુનિ કોણ હશે? આજે છેલ્લાં કેટલાય દિવસોથી હું આમને આ રીતે ધ્યાન ધરતા જોઈ રહ્યો છું! શું એ ખાવા માટે ગામમાં નહિ જતા હોય ? એમને ખવરાવતું કોણ હશે? ઓહ ! કેવો તેજસ્વી ચહેરો. ચહેરા પર કોઈ ચિંતા નથી. આખી દુનિયાની શાંતિ જાણે આ ચહેરામાં જ સમાઈ ગઈ છે અને સંગમ એ મુનિને ટગરટગર જોયા કરતો.
જાનુ સુધી લંબાયેલા બાહુ! પર્વત શી સ્થિર ધ્યાન મુદ્રા! બ્રહ્મ તેજથી ઝગારા મારતું લલાટ! સંગમ સમી સાંજે ઘરે આવતો. પણ આ મુનિ એની આંખ સામે તરવર્યા જ કરતા. એક પણ બોલ બોલ્યા વિના, મુનિએ સંગમ પર જાણે કામણ કર્યું હતું! સંગમ પોતે પણ મુનિ તરફના પોતાનાં આવાં આ અકારણ આકર્ષણનું કારણ સમજી શકતો ન હતો.
થોડા દિવસો આ રીતે વીત્યા. મુનિનું મૌન સંગમ માટે જાણે તલસ્પર્શી પ્રવચન બની ગયું. એના હૈયે. પડેલાં જુગ જૂનાં સંસ્કાર જાગી ગયા. ભોળો ભરવાડ હોવા છતાં સંગમ જાણે શ્રાવક બની ગયો ! આસપાસમાં વસતા પોતાના મિત્રોને પણ એ મુનિનાં દર્શને લઈ આવવા માંડયો. આમ, એનો નાનો સરખો વર્ગ રચાઈ ગયો. સૌ વહેલી સવારે ઊઠીને મુનિને નમતા ને પછી પોતે પોતાના કામે વળગતા. પણ આ બધામાં સંગમની ભક્તિ તો કોઈ જુદી જ તરી આવતી! કાજકાજમાંથી સમય મળતાં જ એ મુનિની સામે આવીને બેસી જતો. દિલની દિલાવરીથી એ એક જાતની ભાવના સૃષ્ટિ સરજતો:
“ઓહ! હું ભરવાડ છતાં ભાગ્યવાન છું. નહિ તો મને આવા મુનિનાં દર્શન ક્યાંથી થાય! પણ મારા ભાગ્યમાં ભરતી તો એ જ દહાડે આવે, જે દહાડે આ મુનિ મારી ઝુંપડીને પાવન બનાવે.'
સંગમ ભાવનાસૃષ્ટિમાં આગળ વધતો અને પછી નિરાશ થઈ જતો પણ મારું ભાગ્ય ક્યાંથી કે, આ મુનિ મારાં ઘરને પાવન બનાવે ! ને આ પછી પોતાના કપાળે, હતાશ-હાથે બે ટકોરાં મારીને એ પોતાના કામે ચાલ્યો જતો.
થોડાં દિવસો પછી.... કોઈ પર્વની પધરામણીની પળે...
શાલિગ્રામમાં ખુશાલી છવાઈ ગઈ, ઠેર ઠેર આનંદ મંગલની શરણાઈઓ વાગી ઊઠી. ઘરે ઘરે ૧. સૌભાગ્યનો સૂર્ય-કયવન્નાશેઠ, લે. વિજયપૂર્ણચંદ્રસૂરિજી.