________________
૫૧૫
મગધવાસીઓ યક્ષદેવને પોતાના કુળની અને મગધદેશમાં કલ્યાણ કરવાની પ્રાર્થના કરતા હતા. કવિશ્રી ૠષભદાસજી : કયવન્નાને પોતાના વિખૂટા પરિવારનો ઝુરાપો સાલે છે. તેણે મુશ્કેલીનો માર્ગ શોધવા પોતાના સાળા અભયકુમારને વાત કરી. આ પ્રસંગે બુદ્ધિનિધાન અભુકુમારની પોરસાઈ કરતાં કૃતપુણ્યની સુકૃત્યની યાદી વર્ણવતાં શુભેચ્છાઓનાં ઘોડાપૂર વહાવ્યાં. “તમે કૂવામાંથી મુદ્રિકા કાઢી આંગળીમાં પહેરી, આર્દ્રકુમારને ધર્મ પમાડયો, ચંડપ્રધોતન જેવા સાવજને પકડી મહારાજા શ્રેણિકને સોંપ્યો, આંબાના ફળ ચોરનારને પકડયો, સેચનક હસ્તીને શાંત પાડયો, અકાળે મેઘ વરસાવી ધારિણી રાણીના દોહદને પૂર્ણ કર્યો, રોહિણેય ચોરને પકડયો, રત્નનાં ચોરને ઝાલ્યો, તમે કદી કોઈનાથી પરાજિત થયા નથી. તમારી બુદ્ધિ નિર્મળ છે. જો તમે મારી સ્ત્રીઓ અને સંતાનોનો મેળાપ કરાવી આપો તો હું જાણું કે તમારી બુદ્ધિ ખરી છે.’’ (૨૩૨૨૩૪)
“ કયવન્નો મૃત્યુ પામી, યક્ષ બની માનવીને મારે છે તેથી પાંચ લાડુ અને લાપસી તેને પ્રસન્ન કરવા ભોગ નિમિત્તે લાવી તેની પૂજા કરો. જે નહીં આવે તે રાજ્યનો ગુનેગાર ગણાશે, તેનું કયવો યક્ષ ભક્ષ્ય કરશે.’’(૨૩૭)
કવિશ્રી ગુણસાગરજી : નગરમાં ઢંઢેરો પીટાયો કે, ‘‘સર્વ નારીઓ પોતાના સંતાનોને લઈ પ્રાસાદમાં આવે. સાથે પાંચ-પાંચ મોદક લાવે.'' (ઢા.૪, ક.૪) સંતાનોને પગે લગાડવાથી બીજના ચંદ્રની જેમ ઘરમાં સંપત્તિની છોળો ઉડશે. આવતી ચૌદસના દિવસે આવવું અનિવાર્ય છે.
સુખ
અહીં સાસુ-વહુનો સંવાદ રસપ્રદ છે. વહુઓએ પડહ સાંભળી વિનંતી કરતાં કહ્યું, ‘“સાસુજી! ચાલો આપણે દેવળમાં જઈએ. યક્ષની પૂજા કરવાથી તે પ્રસન્ન થશે, આપણાં સંતાનો નિરોગી થશે. એમનું સ્વાસ્થ્ય સારું રહેશે.’’ સાસુએ ધાસ્તી અનુભવતાં કહ્યું, ‘‘વહુજી ! ઘર બેઠાં જ બે હાથ જોડી ભાવથી યક્ષની પૂજા કરશો તો તમારું ભલુ થશે. કોઈનું ઘર માંડવા માટે આ પ્રપંચ રચાયો છે. તમને કોઈ વાતની સમજણ પડતી નથી.’’ વહુઓએ કહ્યું, ‘‘પ્રથમ નાતરું કરવા દીધું ત્યારે પુત્ર થયા. હવે જો કાંઈ નહીં કરીએ તો ઘર પુત્ર વિહોણું થશે. (તમને ધનની બહુ ફીકર છે પણ) આ જ સુધી ધન કોઈ છાતી પર બાંધીને પરભવમાં લઈ ગયું નથી. લક્ષ્મી જવાની હશે તો જતી જ રહેશે. પંચને અનુસરીયે. આપમતિ કરશું તો દુઃખી થશું. પંચ પરમેશ્વર છે, જે જીવન આપે છે. આઈ! હવે તમે અળગાં રહો. કદાગ્રહ છોડો. આજ સુધી તમારી એકપણ આજ્ઞા લોપી નથી. આગળ હવે, તમારી મરજી. અમે કઠણ હૃદય કર્યું છે. તમે અમારું કામ શા માટે બગાડો છો?''
પ્રસંગોપાત કવિ કહે છે, ‘અતિ તાણવાથી દોરડું પણ તૂટી જાય છે. અતિ મંથન કરતાં સમુદ્રમાંથી વિષ ઉત્પન્ન થયું. તે વિષ શંકરે ગળામાં ધારણ કર્યું તેથી ‘નીલકંઠ’ કહેવાયા. જગતમાં ચંદન શીતલપણા માટે વિખ્યાત છે પરંતુ અતિ મથવાથી તેમાં અગ્નિ ઉત્પન્ન થાય છે.’ (ઢા.૪, ક.૧૧-૨૩)
અહીં વાતાવરણમાં ગરમાટો છવાઈ ગયો છે. વૃદ્ધાની વહુઓ પરની પકડ છૂટી ગઈ છે. કવિશ્રી લાલવિજયજી : ‘પાંચપાંચ મોદક સહૂ લાવઉ, યક્ષ ભેટી ઘરિ જાવઉ’ (૧૧)
કવિશ્રી વિજયશેખરજી : ‘‘પ્રાતઃ કાળે યક્ષના પ્રાસાદમાં બાળકોને લઈને સ્ત્રીઓ આવે. પોતાની સાથે પાંચ મોદક લાવે. પ્રસાદ રૂપે ચાર લાડુ ઘરે લઈ જવો અને એક લાડુ યક્ષ પાસે મૂકવો.’’(૨૯૦-૨૯૨)
કવિશ્રી જયરંગમુનિજી ઃ મંત્રીશ્વરે બુદ્ધિ ચાતુર્યથી સફેદ રંગનું યક્ષ મંદિર બનાવ્યું. તેમાં ચિત્રકારો દ્વારા સુંદર ભાતીગળ ચિત્રો દોરાવ્યાં. તેમાં કયવન્નાની જ પ્રતિછાયારૂપ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. ત્યારપછી નગરમાં