________________
૫૦
વિચારી હિંમત કરી સ્ત્રીઓએ મોદક બનાવી તેમાં રત્ન મૂક્યાં. સાર્થ ભેળો કરવા પૂર્વે કૃતપુણ્યને રાતજાગો કરાવવામાં આવ્યો. મધરાતે ચારે સ્ત્રીઓ નાયકને સાર્થમાં મૂકી આવી. (૧૮૪-૨૧૫)
કવિશ્રી જયરંગમુનિ : કોઈ ધનાઢય શેઠ પરદેશમાં વહાણમાં અકસ્માતથી મૃત્યુ પામ્યા. તેમના દુઃખદ સમાચાર યાત્રિકે આપ્યા ત્યારે શેઠાણીએ પંથીને બોલતો બંધ કરી દીધો અને સીસકતી પુત્રવધૂઓને કલ્પાંત ન કરવાની સલાહ આપી. કોઈ તેજસ્વી પુરુષની શોધમાં પાંચે સ્ત્રીઓ સાર્થના પડાવમાં આવી. વૃદ્ધા પ્રત્યેક પુરુષને ચકાસીને નિહાળી રહી હતી. પ્રસંગોપાત કવિ સાર્થમાં સૂતેલા મુસાફરોનું વર્ણન કરે છે.
કોઈ ઢંગધડા વિનાનાં, કોઈ કદમાં મોટાં હતાં. એકપણ પુરુષ સુલક્ષણવંત ન જણાયો. આખરે પુણ્ય તેમને દેવળમાં ખેંચી ગયું. ત્યાં રૂડો-રૂપાળો કૃતપુણ્ય માંચી પર સૂતો હતો. તેને હેતથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ નાયક ગાઢનિંદ્રામાં પોઢેલો હોવાથી જગ્યો નહીં. ત્યારે તે જ સ્થિતિમાં ચારે સ્ત્રીઓ ખાટલો ઉપાડી મહેલમાં લાવી. ત્યારપછી શયનખંડના ઢોલિયા પર પોઢાડયો. હવે ચારે સ્ત્રીઓ નાયકની ચારે પડખે ઉભી રહી. વૃદ્ધા માંચી પર બેઠી હતી. કૃતપુણ્યપ્રાતઃકાળે જાગ્યો. તે ચારે બાજુ વિસ્મયભરી નજરે જોવા લાગ્યો. પ્રસંગોપાત કવિ મહેલની સજાવટનું લાક્ષણિક ચિત્ર ખડું કરે છે. ઊંચો મહેલ, વિશાળ આવાસ, રંગબેરંગી ચિત્રામણ જાણે દેવભવનની શોભા ! શયનખંડમાં ઝૂમ્મરો હતાં, જેમાં મોતીની સરો લટકતી હતી. આ સરોમાં વચ્ચે લાલ રંગના પરવાળા પરોવેલાં હતાં, જે સુંદરતામાં વધારો કરતાં હતાં. મહેલના ગોખલાઓ પર સુંદર ચિત્રામણ કરેલી જાળીઓ હતી. છત પર મખમલનો પંચરંગી ચંદરવો બાંધેલો હતો. નવી નવી ભાતનાં સુંદર ચાકરા અને પાથરણાં પાથરેલાં હતાં. જરબાફની જાજમ કલાકારીગરી (કસબ)થી ઝળકતી હતી. લાંબી ફૂલની માળા લટકતી હતી. વિવિધ પ્રકારના સુગંધી ધૂપની મહેકથી ઓરડો મઘમઘી રહ્યો હતો. (૨૫૧-૨૫૫)
આ વર્ણન શ્રીમંતોના આવાસોની બાંધણી અને ગૃહની સજાવટની પદ્ધતિ ઉજાગર કરે છે. ત્યારપછી સ્ત્રીઓનું લાક્ષણિક વર્ણન તે સમયના આભૂષણોની માહિતી આપે છે. રૂપમાં દેવકુમારી જેવી ચારે સ્ત્રીઓની શોભા પાસે ભલભલી માનુનીઓ પણ હારી જતી. તેમના પગમાં નૂપુર રણઝણતાં હતાં. કાનમાં સુંદર કુંડળો પહેરેલાં હતાં. નાકમાં નકવેસર અને મસ્તકે ટીકો હતો. ગળામાં નવસરો હાર પહેરેલો હતો. તેમના રૂપને જોઈ ભલભલાનું ચિત્તડું તેમાં ચોંટી જતું. તેમનું મુખ દર્શન થતાં દુઃખ ભૂલાઈ જતું.(૨૫૬-૨૫૦) વૃદ્ધાએ કૃત્રિમ અભિનય કરતાં મીઠાં શબ્દો દ્વારા કહ્યું, “બેટા! ભાગ્યથી તારી ભેટ થઈ છે. આ સ્ત્રીઓ સાથે ભોગ ભોગવો. પહેરો, ઓઢો, ખાવો-પીવો. આ ઘરનો તું મોભી છે. બીજા બધાં તારા દાસ-સેવક છે. મેં કુળદેવતા પાસે પુત્રની માંગણી કરી હતી. કુળદેવતાએ પ્રસન્ન થઈ તને અહીં મોકલ્યો છે. તું મને મારા જીવ જેવો પ્યારો છે. તને જોઈને હું અપૂર્વ સુખ પામી છું.’’ કૃતપુણ્ય મધુરા વેણ સાંભળી હરખાયો.
પ્રસંગોપાત કવિશ્રી કર્મની ગતિ દર્શાવે છે. ‘કોનો ખાટલો અને કોણ ભોગવે? કુશળ ઉંદરો જમીન ખોદી ખોદીને દર બનાવે અને પેલા ભુજંગ (સાપ) તે દર પર કબજો કરે છે. બળદ ચારો વહન કરે છે અને ઘોડો તે ચારો ચરે છે, તેમ કોઈએ એકઠું કરેલું ધન ચરિત્રનાયક ભોગવી રહ્યો હતો. (૨૬૨)
બાર વર્ષ થયાં. ચાર બાળકોના કિલકિલાટથી ઘર ગૂંજી ઉઠયું. ત્યારે વૃદ્ધાએ તમાશો માંડતાં કહ્યું, ‘‘ભવૈયાની જેમ તમને કોઈ લાજશરમ નથી. શું જોઈને પતિની જેમ તેને વળગો છો ?’’ વૃદ્ધા મનની મેલી અને અતિશય લોભી હતી. કોઈને લોટી પાણી પણ પીવડાવતી ન હતી. તે સ્વયં પણ ન ખાતી અને ન કોઈ ભૂખ્યાને રોટલો ખવડાવતી. તે એક પૈસાનો ખર્ચ ન કરતી. ઘરના દરવાજે સદા આંગળિયો દેતી, જેથી કોઈ અતિથિ આવે જ નહીં. કોઈવાર ભૂલેચૂકે કોઈ આવે તો ખડકીનો ઝાંપો ખોલ્યા વિના જ અંદરથી તાડૂકી ઉઠતી, જેથી