________________
૪૯૬
ભરપૂર પાન કરાવ્યું. રોહિણેય ચોર મદિરાનો વ્યસની તો હતો જ તેથી જરૂરતથી વધુ પ્રમાણમાં મદિરા ઢીંચી ગયો.
ચંડપ્રધોતન રાજાએ મહામંત્રી અભયકુમારને પકડવા માટે ગણિકાઓને શ્રાવિકા બની મોકલાવી હતી. ઢોંગી ગણિકાએ શ્રાવિકાઓના આચાર-વિચાર કોઈ સાધ્વીજી પાસેથી શીખી લીધા. અભયકુમાર તેમના આચાર-વિચારથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે સાધર્મિક ભક્તિના બહાને તે ઢોંગી શ્રાવિકાઓને પોતાને ત્યાં ભોજન માટે બોલાવ્યાં. આપસમાં ધર્મની ચર્ચા થઈ. ઢોંગી શ્રાવિકાની વૈરાગ્ય સભર વાતોથી મહામંત્રી દિગ્મૂઢ બન્યા. ત્યારપછી કપટી શ્રાવિકાએ અભયકુમારને પોતાને ત્યાં જમવા તેડાવ્યા. તે સમયે તેમને પકડીને અવંતી નગરીમાં લઈ જવા ‘ચંદ્રહાસ મદિરા' આગ્રહ કરીને પીવડાવવામાં આવી. કવિ આગમ પરંપરાને અનુસરે છે.
•
વેશ્યાવાસમાંથી પાછા ફરેલા પતિનો સત્કાર
‘બાર વર્ષ વેશ્યાવાસમાંથી પાછા ફરેલા પતિને જોઈ ચરિત્રનાયિકાએ ઉષ્માભર્યો આવકાર
આપ્યો', એવું સર્વ કૃતિકારો એકમતે સ્વીકારી આલેખે છે. નાયિકાનો પ્રેમ બીનશરતી અને વળતરની અપેક્ષા વિનાનો હતો તેથી નાયિકા ઉમળકાભેર સ્વાગત કરવા તત્પર બની. નાયિકાની હંસદૃષ્ટિથી પ્રેમ દીર્ઘજીવી નીવડયો. કલિયુગની ધન્યાએ કૃતપુણ્યની જીવનશૈલી આગળ ધરી છૂટાછેડા માટે કોર્ટનું શરણું શોધ્યું હોત! કવિશ્રી પદ્મસાગરજી અને કવિશ્રી ગુણસાગરજી ‘જલભાજન’ અર્થાત્ ‘નાળચાવાળો લોટો’ ચરણ પ્રક્ષાલન માટે નાયિકા લાવી, તેવું કથાપ્રવાહમાં ગૂંથે છે.
ખાડા-ખૈયા, ચટ્ટાન, પથ્થર આવવા છતાં ઝરણું અવિરતપણે વહ્યા કરે છે, તેમ નાયિકાએ દુઃખની ઝડીઓની બાદબાકી કરી ખુમારીપૂર્વક પતિધર્મ બજાવ્યો. શાસ્ત્રકારો કહે છે ‘‘પતિના ચરણનું પાણી જે છોડી દે છે તે અધમ સ્ત્રી ગણાય છે.’’ (શ્રી વિક્રમચરિત્ર, સર્ગ-૧૧, શ્લોક-૩૦૫, પૃ.૨૫)
પ્રાચીન કાળમાં પુરુષ વર્ગના પગ પખાળવાનો રિવાજ હતો. નાવમાં બેસતાં પહેલા નાવિકે રામચંદ્રજીના પગ પખાળ્યાં હતાં. મૂળા શેઠાણીના ઘરે આવેલી વસુમતી (ચંદનબાળા) પિતા ધનાવાહ શેઠના પગ પખાળવા પાણીનો લોટો લાવી હતી. સુદામા જ્યારે દ્વારિકા નગરીમાં આવ્યા ત્યારે મહારાણી રૂક્ષ્મણી ઝારીમાં પાણી લાવી અને કૃષ્ણ મહારાજાએ સ્વયં પોતાના મિત્રનાં ચરણ ધોયાં અને પોતાના ખેસ વડે લૂછયાં હતાં.
કવિશ્રી જયરંગમુનિજી અને કવિશ્રી દીપ્તિવિજયજી ‘ચરખો’ (રેંટિયો) કાંતતી ચરિત્ર નાયિકા દર્શાવે છે. અહીં નાયિકાની હૈયા ઉકલતથી સ્વાવલંબી જીવન જીવવાની આગવી સૂઝ દેખાય છે. નાયિકાએ કપરા કાળમાં કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી તેમજ સાસરું છોડી પિતાના ઘરે ગઈ નથી. તે સમયે પિતૃક સંપત્તિમાં કન્યાનો અધિકાર હોવા છતાં પોતાની બુદ્ધિગમ્યતાથી, મહેનતથી ધનોપાર્જન કરી, સ્વમાનપૂર્વક જીવન જીવવામાં નાયિકાને વધુ રસ હતો.
એકવાર લગ્નગ્રંથિથી જોડાઈ ગયા પછી પત્ની આજીવન શ્વસૂરગૃહે જ રહે છે. પિતૃગૃહેથી ડોલીમાં બેસીને પતિગૃહે સીધાવેલી કન્યાને અર્થી જ શ્વસૂરગૃહેથી નીકળે છે, એવી ભૂતકાળની પ્રણાલિકા નજરે ચડે