________________
33
ચારે પુત્રવધૂઓનો પણ તેમાં સમાવેશ થાય છે. ચિત્રાંગદા, લવંગીકા, દીપિકા અને માધવી સાથે તારે સ્વામી બની ભોગવટો કરવાનો છે. આ ઘરના આંગણને બાળ કિલ્લોલથી ગુંજતું કરવાનું છે.''
કૃતપુણ્યએ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. માતા-પિતા તરીકે સહર્ષ સ્વીકારી નમન કરી કૃતપુણ્યનું પુણ્ય વીરદત્ત તરીકે રાજગૃહીમાં ફેલાતું ચાલ્યું. તેના સૌભાગ્યમાં અનંગસુંદરીની જેમ ધનદત્ત શેઠની ચાર પુત્રવધૂઓ સાથે રંગરાગ ભોગવવાનું નિર્માણ થયેલું હતું. કૃતપુણ્યના સૌભાગ્યનો પુણ્યોદય પુનઃ જાગૃત થયો. વિધિએ તેની સાથે અનેરી રમત આદરી હતી.
રાત સરી જતાં પ્રભાતના પડઘમ વાગ્યા. કુકડા બોલ્યા. ઉદયાચળના પહાડ ઉપરથી સૂર્યનારાયણની છડી પોકરાણી. પ્રભાત ઉઘડી ગયું. કૃતપુણ્યનો ઉઠવાનો સમય થતાં ચારે સુંદર અને કોમલાંગી સ્ત્રીઓ ગૃહિણીની જેમ તેની સરભરામાં ખડે પગે હાજર થઈ. તેમણે પ્રીતનાં પાથરણા પાથર્યા. ચિત્રાંગદા મુખ પ્રક્ષાલનનાં સાધનો લાવી. લવંગીકાએ અંગલૂછણા વડે કૃતપુણ્યનું મુખ લૂછ્યું. દીપિકાએ શય્યા પાસે ઉભી રહી મયૂર પીંછના સોનાની દાંડીવાળા વીંઝણા વડે વાયુ વીંઝ્યો. માધવીએ અલ્પાહાર કરાવવા ચાંદીનો થાળ મૂક્યો. થાળમાં કેસર, બદામ, પીસ્તાવાળું ઉષ્ણ દૂધ, મેવા-મીઠાઈ અને અનેક ખાદ્ય સામગ્રીઓ શિરામણમાં પીરસી અને જમ્યા પછી મુખવાસ આપ્યો.
ઘરની વાત બહાર ન જાય તે હેતુથી શેઠાણીએ નોકર-ચાકરોને રજા આપી દીધી હતી તેથી દરેક કાર્ય અપ્સરા જેવી સ્ત્રીઓ સ્વયં કરતી હતી. સ્નાનાગારમાં સુવર્ણયુક્ત બાજોઠ ઉપર બેસાડી સમઉષ્ણ અને સુગંધી જળ વડે સ્નાન કરાવતી. સુગંદી તેલ વડે દેહમર્દન કરતી. સ્નાન બાદ અંગ લૂછવા વસ્ત્ર આપતી. કિંમતી વસ્ત્રો પહેરાવતી. ત્યાર પછી લલાટે કેસરનું તિલક કરતી.
કૃતપુણ્ય સ્ત્રીઓ સાથે સુવર્ણના હિંડોળે હીંચતો હતો. તે અનુપમ સૌંદર્ય ધરાવતી સ્ત્રીઓ સાથે, વૈભવ વિલાસભર્યા વાતાવરણ વચ્ચે અપાર સાહ્યબી ભોગવી રહ્યો હતો. અપાર સુખના કારણે કૃતપુણ્યએ પૂર્વ પ્રીતના સંભારણા ખંખેર્યા.
ચારે સ્ત્રીઓ સાચોસાચ કૃતપુણ્યની પત્ની બની ગઈ હતી. લગ્નગ્રંથીથી જોડાયેલા પતિની જેમ ખુલ્લા દિલથી સ્ત્રીઓ સાથે કૃતપુણ્ય વર્તવા લાગ્યો. ચારે સ્ત્રીઓ પણ પત્નીધર્મ બજાવી સેવામાં તત્પર રહેતી હતી. અરસપરસ પ્રેમની સરવાણી ફૂટી નીકળી. સંગીત શ્રવણ કરવામાં અને ચોપાટ રમવામાં તેમનો દિવસ વ્યતીત થઈ જતો.
કૃતપુણ્યને મહેલની બહાર જવા દેવામાં ન આવતો. તે ક્યારેક જિજ્ઞાસાવશ પૂછતો ત્યારે સ્ત્રીઓ પ્રથમથી જ શીખવાડેલું બોલતી, ‘‘આપના કોમળ અંગ પર તડકો ન પડે, બહારના કલુષિત વાતાવરણની અસર ન થાય, કોઈની કુદૃષ્ટિ ન પડે, સુખમાં વિક્ષેપ ન થાય તેવી શુદ્ધ ભાવનાથી અમે તમને બહાર નથી જવા દેતા.’’ આવું કહી કૃતપુણ્યની વાતને તેઓ ટાળી દેતી.
દસકા જેટલો સમય વીતી ગયો. ચારે પુત્રવધૂઓ માતા બની ચૂકી. દેવકુમાર જેવા પૌત્રોને જોઈ ધનદેવ શેઠ ખુશખુશાલ બની ઉઠતા. કૃતપુણ્ય ચારે પુત્રોને અનહદ પ્રેમ કરતો હતો. બાળકોના કિલ્લોલથી હવેલી ગુંજી ઉઠી.
ܗ