________________
૪૩
પોતાના કાવ્યમાં કથાવસ્તુ તરીકે કૃતપુણ્યનું ચરિત્ર ગૂંથ્યુ છે.
·
કવિશ્રી પદ્મસાગરસૂરિજીએ ‘દાન તણઈ અધિકારી સુણો, ભવિયણ હરખી ચિત્ત’ (૫) કહી દાનની મહત્તા દર્શાવવા ‘કયવન્ના ચતુષ્પદી'નું કવન કર્યું છે.
કવિશ્રી રતનસૂરિજીએ દાનનો મહિમા વર્ણવી તેનુ પ્રામણ દર્શાવવા શાલિભદ્રનું ઐતિહાસિક દૃષ્ટાંત ટાંક્યું છે. દાન જગતમાં સર્વ શ્રેષ્ઠ છે. દુર્ગતિ નિવારક, સુખ - સંપત્તિ દાયક, મનવંછિત ફલદાયક છે. દાનથી જ સંસ્કારી પત્ની અને પુત્રો પ્રાપ્ત થાય છે. દાન આપવાથી શત્રુતાનું વિસર્જન અને મૈત્રીનું પ્રસારણ થાય છે. દાનથી જ શાલિભદ્રને અપાર સુખ મળ્યું. ખરેખર! દાનની તોલે કોઈ ન આવે. દાન આપવાથી જ કયવન્નાને અપાર સુખ પ્રાપ્ત થયું.
કવિશ્રી દેપાલજીએ ‘કયવન્ના વિવાહલુ'માં કૃતપુણ્યના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ ટાંકે છે. જેમાં રાજગૃહી નગરીના મહામંત્રી અભયકુમારની ઔતપાતિકી બુદ્ધિના ચમત્કાર જોવા મળે છે. યુક્તિ પૂર્વક અભયકુમાર મહામંત્રી કૃતપુણ્યને પોતાના પરિવાર સાથે મેળાપ કરાવે છે. અહીં દાનનો મહિમા ગૌણ છે પરંતુ પૂર્વભવમાં આપેલા સુપાત્રદાનના કારણે જ લખલૂટ સંપત્તિ અને પરિવારનો સુમેળ થયો.
કવિશ્રી ૠષભદાસજીએ પુણ્ય - સુકૃત્યનો મહિમા અંતિમ મંગલાચરણમાં ગાયો છે. (૧૫૧) પ્રચુર પુણ્યથી કયવન્નાના કુળમાં ચાર પુત્રો જન્મ્યા. પુણ્યની મહત્તા દર્શાવતાં કવિ કહે છે : પ્રબળ પુણ્યના કારણે એક વ્યક્તિ બેઠાં બેઠાં બીજાનું ધન ભોગવે છે જ્યારે બીજો વ્યક્તિ (પાપોદયમાં) પોતાનું મેળવેલું ધન પણ ખોઈ નાંખે છે. વળી, એક વ્યક્તિને ખૂબ મહેનત કરવા છતાં ફૂટી કોડી મળતી નથી જ્યારે કોઈ બીજો સહજપણે ધન પ્રાપ્ત કરે છે. માટે કહ્યું છે કે, ‘આપ્યા વિના કદી મળતું નથી અને આપેલું કદી ફોગટ જતું નથી.’ ચરિત્રનાયક કોઈપણ જાતના ઉદ્યમ કર્યા વિના બીજાની લક્ષ્મી ભોગવી રહ્યો હતો. આમ, અહીં પણ પુણ્ય (સુપાત્રદાન, સુકૃત્ય)નો મહિમા જ ગવાયો છે.
•
કવિશ્રી ગુણવિનયજીએ દાન ધર્મને મુખ્યતા આપી છે. દાન ધર્મમાં પણ ‘અભય સુપાત્ર તિહાં શિવ કારણ’ (૫) એમ કહી સુપાત્રદાનનાં સંદર્ભમાં કયવન્ના ચરિત્રનું આલેખન કરે છે.
•
કવિશ્રી કલ્યાણરત્નસૂરિજીએ દાનનો પ્રભાવ તો વર્ણવ્યો છે પરંતુ એનાથી આગળ વધી દાન આપતાં પરિણામોની શુદ્ધતા અને અખંડતા પર ભાર મૂકે છે. સુપાત્ર દાનના ફળસ્વરૂપે કૃતપુણ્યને સાંપ્રત ભવમાં રિદ્ધિ સિદ્ધિ મળી પરંતુ સુખમાં વચ્ચે વચ્ચે ઉભી થયેલી અંતરાયનું મુખ્ય કારણ ત્રુટક ભાવધારા હતું. કવિશ્રી આ કથાનક દ્વારા દાન આપવાની વિધિ અને ભાવોની સ્થિરતા ઉપદેશે છે.
કવિશ્રી ગુણસાગરસૂરિજીએ ચાર ગાથાઓમાં વિશદતાથી દાનનો મહિમા ગાયો છે. દાન આપવાથી દરિદ્રતા પલાયન થાય છે. દાન વિના ભોગ ન મળે. દાનથી અપકીર્તિ, પરાભવ અને વ્યાધિ નાશ પામે છે. દાનથી નિર્ભયતા અને શ્રીમંતાઈ પ્રાપ્ત થાય છે. લક્ષ્મીનો સદવ્યય થાય છે અને અનર્થો વિફળ થાય છે. સુપાત્ર દાન આપતાં ભૂમિતલ પર કીર્તિ - યશ વધે છે. એક જન્મમાં આપેલું સુપાત્ર દાન જન્મોજન્મ પુણ્ય બંધાવે છે.