________________
૩૧
સાર્થવાહના પડાવ સ્થાને આવ્યા. પુત્રવધૂઓએ પગની સપાટો કાઢી રથમાં મૂકી દીધી. દીપકના પ્રકાશમાં શોધતી શોધતી શેઠાણી દેવાલયમાં પ્રવેશી. ત્યાં ફાટેલી તૂટેલી ગોદડી પાથરેલા ખાટલામાં સૂતેલા ભવ્ય અને કુલીન દેખાતા કૃતપુણ્ય પર શેઠાણીની નજર પડી. કૃતપુણ્યનો ચહેરો ચમકી રહ્યો હતો. શેઠાણીને તેને મહેલમાં લઈ જવાની સનક ઉપડી. શેઠાણીએ નવયુવકને મૂર્છાિની ચૂર્ણ સુંઘાડ્યું. શેઠાણીએ વહુઓને ઈશારો કર્યો. ચારે વહુઓએ કૃતપુણ્યને ખાટલા સહિત ઉપાડી બંધ રથમાં નાખ્યો. મુનીમે પવનવેગી અશ્વરથ શેઠની હવેલી તરફદોડાવી મૂક્યો.
શેઠની હવેલીમાં ચારે પુત્રવધૂઓ રાત્રિના સમયે કૃતપુણ્યને લઈને આવી. શેઠે પહેલેથી ઘરની વાત ક્યાંય બહાર ન જાય તે હેતુથી દાસ-દાસીઓને રજા આપી દીધી હતી. ચારે પુત્રવધૂઓએ કૃતપુણ્યને ઉંચકી આયનાખંડમાં સુવડાવ્યો. કૃતપુણ્યની વસ્તુઓ (ભાંગેલો ખાટલો, ધન રાખવાની કોથળી (વાંસળી) ફાટેલી ગોદડી તથા સાથે રહેલો સામાન) સાચવીને એકખંડમાં મૂકવામાં આવી.
મુનીમજીએ વહેલી સવારે પેઢી પર વાત વહેતી મૂકી કે, “જિનદત્ત શેઠ જરૂરી કામ આવી પડતાં પરદેશ ચાલ્યા ગયા છે. ત્યાં લાંબો સમય રોકાવાના છે.” વાત વાયરે ઉડી. વાતે વંડી ઠેકી દિવાલો પર કૂદકા માર્યા. વાત ઘેરઘેર અને ઠેરઠેર પહોંચી ગઈ.
ચારે પુત્રવધૂઓને શેઠાણીએ કડક આદેશ આપ્યો કે, “રાત્રે જે વ્યક્તિને અહીં લાવવામાં આવ્યો છે તે તમારો પતિ જિનદત્ત છે તેવું માની લેવું. તેની સાથે પતિ જેવો ગાઢ સ્નેહભર્યો વ્યવહાર કરવો. વંશ પરંપરાની રક્ષા માટે નિયોગ દ્વારા પ્રજોત્પત્તિ કરી ધર્મની રક્ષા કરો. હું જે કાંઈ કરું છું તે આપદ્ધર્મ ગણાય તેથી કોઈએ તેનો વિરોધ ન કરવો. હું પણ તેની પ્રત્યે પુત્ર જેવો સ્નેહ બતાવીશ જેથી તે પોતાની વીતક જ ભૂલી જશે.”શેઠાણીની પિશાચિની જેવી માંજરી આંખો અને કઠોર મુખમુદ્રા જોતાં તે રમણીઓને ભય ઉપજતો હતો એટલે તેનાં વેણ નમ્રપણે સાંભળી અનુસરતી હતી.
એકાંત મળતાં જ ચારે સ્ત્રીઓ પરસ્પર વાતો કરવા લાગી. એકે કહ્યું, “બહેન ! આ તો ગજબ થયો. શું પરાયા પુરુષને પતિ બનાવવો? મને આ વાત ધર્માનુકૂલ નથી જણાતી.”
બીજી સ્ત્રીએ કહ્યું, “અરે! આ કઈ રીતે બની શકે? એક જીવનમાં બે-બે પતિ? કુલીન સ્ત્રી કદી એક ભવમાં બે પતિ ન કરે? શું આપણે નીચ કુળમાં ઉત્પન્ન થયા છીએ કે ગમે તે પુરુષ સાથે સંસાર માંડીએ ?''
ત્રીજી સ્ત્રીએ કહ્યું, “બહેન ! આ બધું તો ઠીક છે પરંતુ સાસુની ઈચ્છા વિરુદ્ધ વર્તન કરવામાં મોટી મુશ્કેલી ઊભી થાય તેમ છે. તેમની સામે મુખ ખોલવાની કોઈની હિંમત છે ખરી ? તો પછી આટલી મોટી વાત કરવાની હિમ્મત ક્યાંથી આવશે?”
ચોથી સ્ત્રીએ કહ્યું, “બહેન ! તમારી વાત તદ્ન સત્ય છે. આપણે સાસુ સામે એક હરફ પણ ઉચ્ચારી શકીએ એમ નથી.”
ચારે સ્ત્રીઓ આ પ્રમાણે વાર્તાલાપ કરતી હતી ત્યાં શેઠાણી પહોંચી આવ્યા. ઓરડામાં સન્નાટો છવાયો. ચારે સ્ત્રીઓ મૌન બની ગઈ. શેઠાણીએ ધારી લીધું કે ચારે વહુઓ એકઠી થઈ કંઈક