________________
૪૦૧
પ્રકરણ : ૫
કૃતપુણ્ય કથાનક ઃ તુલનાત્મક અધ્યયન
પૂ. રાજશેખરસૂરિજી દ્વારા આલેખાયેલા પ્રસ્તુત કૃતપુણ્ય - કયવન્ના કથાના મૂળમાં પરવર્તી
મનીષીઓએ કેટલાંક પરિવર્તનો કર્યાં છે. કથા કહેનાર બદલાય તેની સાથે સ્વાભાવિક રીતે જ અહીં તહીં
ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો મૂળસ્વરૂપને વધુ રોચક બનાવવા કે કથાઘટકને સતર્ક બનાવવાના આશયથી થયા હોય છે. આ પરિવર્તનોની પાછળ કર્તાઓની માનસ છબી જોવા મળે છે. લેખક એ જમાનાનું સંતાન છે તેથી પોતાની આસપાસના જમાનાનાં વાતાવરણને આત્મસાત કરીને કથાનકમાં ફેરફાર કરે છે. પ્રત્યેક કવિના સમયની સામાજિક, ધાર્મિક અને વૈચારિક પ્રણાલિકાઓનું પ્રતિબિંબ કથામાં ઝીલાયું છે.
અહીં કોઈ ગ્રંથકારોની ક્ષતિ શોધવાનો કે એક કરતાં બીજા ગ્રંથકારને શ્રેષ્ઠ બતાવવાનો બિલકુલ આશય નથી. અહીં માત્ર તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ પરિવર્તનો શોધવાનો પ્રયાસ કર્યો છે.
મંગલાચરણ
શુભ કાર્યોનાં શ્રી ગણેશ કરવા પૂર્વે મધ્યકાલીન કવિઓએ મંગલાચરણને પ્રાથમિક સ્થાન આપ્યું છે. મંગલાચરણમાં વિનય અને નમ્રતાનો ભાવ છે. ‘વિદ્યા વિનયેન શોભતે' એ ભાવને અનુસરી મહાન કાર્યના શુભારંભ પૂર્વે પ્રત્યેક કવિઓએ પોતાના વિઘ્નનાશક આરાધ્યની અચૂક સ્તવના કરી છે. પ્રત્યેક કૃતિકારની મંગલાચરણની પદ્ધતિપોતાની આસ્થા અનુસાર અનોખી છે.
કવિશ્રી પદ્મવિજયજીએ પ્રારંભમાં કવિઓની માતા શારદા અને પોતાના સદ્ગુરુની સ્તવના કરી છે. ‘ગુરુવિણ વાટ ન જાણિઈ, હીયા મઝિ અજ્ઞાન ન વારઈ;
જસુ વિણ કાજ ન કોઈ સરઈ, સુગુરુ એક જગ તરણ તારણ’’(૫)
કવિશ્રી સાધુરતનસૂરિજીએ કાવ્યના પ્રારંભમાં જૈન ધર્મના સંસ્થાપક જિનેશ્વર દેવ તથા વાન્દેવી સરસ્વતી માતાને ભાવપૂર્વક નમસ્કાર કર્યા છે.
• કવિશ્રી ૠષભદાસ આધ તીર્થંકર, મરૂદેવા માતા અને નાભિરાયના નંદન શ્રી ઋષભદેવ ભગવાનનું નામસ્મરણ કરે છે.
કવિશ્રી ગુણવિનયજીએ જૈનોના ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથજિનના ચરણોમાં નમસ્કાર કરી પોતાના ગચ્છનાયક બહુસૂત્રી શ્રી જિનચંદ્રસૂરિજીનું નામસ્મરણ કરી ‘કયવન્ના સંધિ’નો શુભારંભ કરે છે. કવિશ્રીએ આ કૃતિનું કવન મહિમપુરમાં કર્યું છે. સંભવ છે કે મહિમપુરના જિનાલયમાં પાર્શ્વપ્રભુ મૂળનાયક તરીકે હોવા જોઈએ તેથી કવિશ્રી પાર્શ્વપ્રભુને વંદન કરે છે.
કવિશ્રી કલ્યાણરત્નસૂરિ ‘સુખકરણી રે સરસતિ સામણિ મનિ ધરી’ (૧) એવું ટાંકી બ્રહ્માપુત્રી