________________
૩૯૫
૫. કવિ શ્રી ગુણવિનયજી કૃત કયવન્ના સંધિ
પ્રસ્તુત રચનાના શીર્ષકમાં તેમજ અંતિમ ઢાળની કડી-૩ માં કાવ્ય પ્રકાર તરીકે ‘સંધિ' શબ્દનો પ્રયોગ થયો છે. ‘એહ સંધિ પભણઈ, સુખ કાજઈ.'
‘પ્રભણિસુ કયવન્ના પરબંધ' (ઢા.૧, ક.૧) અને ‘એક પ્રબંધ ભણઈ જે ભાવઈ, શ્રી જિનકુશલ સૂરિ અનુભાવઈ’ (ઢા.૧૨, ક. ૫) આમ કહી કવિશ્રીએ કૃતિના પ્રારંભ અને અંતમાં ‘પ્રબંધ' એવો ઉલ્લેખ પણ કર્યો છે.
‘પ્રબંધ’ શબ્દ વીરતા, પરાક્રમનું સૂચક છે. તેથી પ્રબંધ કાવ્ય નાયકના પરાક્રમની સાથે ચરિત્રાત્મક અંશો ધરાવતી રચના છે. પ્રબંધમાં વીર પુરુષનું ચરિત્ર કેન્દ્રસ્થાને હોય છે તેથી આવી રચનાઓને ઐતિહાસિક સંબંધ સંદર્ભ છે. આવી કૃતિમાં વીર રસનું નિરૂપણ થયું હોય છે. પ્રસ્તુત કયવન્ના કૃતિમાં કયવન્નાના ચરિત્રનું નિરૂપણ થયું હોવાથી કવિશ્રીએ પ્રબંધ એવો શબ્દ પ્રયોગ કર્યો છે.
‘વેદ બાણ રસ સરઘર વરસઈ, નેમિ જનમ કલ્યાણિક દિવસઈ' પ્રસ્તુત કૃતિનો રચના સંવત ઢાળ ૧૨ની પ્રથમ કડીમાં, સમસ્યાની શૈલીમાં કવિશ્રી આલેખે છે. સં. ૧૬૫૪, શ્રાવણ વદ પાંચમ (નેમિનાથ જન્મ કલ્યાણક), મહિમપુરમાં, કુલ ૧૦૦ કડી (ઢાળ : ૧૨, ચોપાઈ : ૧, દુહા : ૨) પ્રમાણ કયવન્ના સંધિનું કવન થયું છે.
પ્રસ્તુત કૃતિના રચયિતા ખરતરગચ્છના વાચક શ્રી ગુણવિનયજી છે. તેમણે પોતાની ગુર્વાવલીનો ઉલ્લેખ ઢાળ : ૧૨ (કડી ૧ થી ૩)માં કર્યો છે. તે અનુસાર ખરતરગચ્છના ક્ષેમ શાખાના યુગપ્રધાન આચાર્ય પ્રવર 'શ્રી જિનચંદ્રસૂરિ ના રાજ્યમાં વાચનાચાર્ય શ્રી ક્ષેમરાજ શ્રી પ્રમોદમાણિક્ય । – ઉપાધ્યાય*શ્રી જયસોમમુનિ – ઉપાધ્યાય શ્રી ગુણવિનયજી છે.
->>
પ્રસ્તુત સંધિ કાવ્યમાં કાવ્યત્વનો સુમેળ જળવાયો છે. ઢાળમાં વિવિધ દેશીઓનો વપરાશ થયો છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, યમક, વર્ણસગાઈ, રૂપકાદિ અલંકારો દ્વારા કૃતિનું ગૂંથન થયું છે.
૧-૨. સંધિ અને પ્રબંધ કાવ્ય સ્વરૂપ- જુઓ પરિશિષ્ટ વિભાગ.
૩. ખરતર ગચ્છના જિનચંદ્રસૂરિજી અને મોગલ સમ્રાટ અકબર વચ્ચે ધર્મ વિષે વાર્તાલાપ થયો. મોગલ સમ્રાટે ખુશ થઈ જૈનોના સર્વ તીર્થોની રક્ષાની બાહેંધરી આપી. સાથે સાથે પોતાના અને તાબાના રાજ્યોમાં અમુક દિવસ અમારિ પાળવાનો વટહુકમ કર્યો. જિનચંદ્રસૂરિને લાહોરમાં ‘યુગપ્રધાન’ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેમના શિષ્ય શ્રી માનસિંહજીને (સં. ૧૬૪૯, ફાગણ સુદ બીજ) આચાર્ય પદ મળ્યું ત્યારથી તેમનું નામ ‘જિનસિંહસૂરિ’ રાખવામાં આવ્યું. આ સમયે ‘શ્રી જયસોમજી’ તથા ‘શ્રી રત્નનિધાનજી’ને પાઠક પદ અને ‘શ્રી ગુણવિનયજી'ને વાચક પદ આપવામાં આવ્યું. શ્રી જિનચંદ્રસૂરિએ ‘પૌષધવિધિપ્રકરણ’ રચ્યું. (યુગપ્રધાન જિનચંદ્રસૂરિ-પૃ.૪૫, લે. અગરચંદ નાહટા)
૪. શ્રી પ્રમોદ માણિક્યના શિષ્ય શ્રી જયસોમ ઉપધ્યાયજીએ સં. ૧૬૫૦ના વિજયાદશમીના દિવસે ‘કર્મચંદ્ર પ્રબંધ' સંસ્કૃતમાં રચ્યું. તેના પર સંસ્કૃત વ્યાખ્યાન તેમના શિષ્ય શ્રી ગુણવિનયજીએ સં. ૧૬૫૫માં રચી અને તે જ વર્ષે ગુજરાતી પદ્યમાં અનુવાદ કર્યો.