________________
૨૨
ગૌરવ, આયુમર્યાદા, કીર્તિ અને સદાચાર સઘળું વીસરી જાય છે!!!
ધન્યાના સાસુ-સસરા શરીર અને મનથી ભાંગી પડયા. તેમની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી ચાલી. પુત્રનું મુખ જોવા માતા-પિતા તલસતાં હતાં. મૃત્યુની અંતિમ ઘડીએ પુત્ર આવશે એ આશામાં તેઓ જીવતા હતા. ધન્યાની આંખોમાંથી આંસુ સુકાતાં ન હતાં. કૃતપુણ્યનો મિત્ર અનંતકુમાર પોતાના મિત્રને મળવા ગણિકાવાસમાં ગયો, પરતું કૂટનીતિજ્ઞ વેશ્યાએ કૃતપુણ્ય પરગામ ગયો છે એવું કહી ભેટો ન થવા દીધો તેથી મિત્ર પણ નિરાશ વદને પાછો ફર્યો. ધનેશ્વરશેઠની આંખમાં આંસુ આવી ગયાં. વસવસો કરતાં તેમના મુખમાંથી શબ્દો સરી પડયાં, ‘‘અનંત! મારું પુણ્ય ઓછું પડયું. સંસ્કાર આપવામાં હું નિષ્ફળ ગયો. પુત્ર મોહમાં અતિ અંધ બનીને મેં મારા હાથે જ પાયમાલી નોતરી. તેના સંતોષ ખાતર સમગ્ર કુટુંબે પોતાના સર્વસ્વનો ભોગ ધરી દીધો.’’
‘કાકા! ભૂતકાળને ભૂલી જાવ. મૃત્યુને બગાડો નહીં. આત્મસુખના વિચારોમાં મગ્ન બનો. માનવીના ૠણાનુબંધ જેવા હોય તેવા ભોગવવા જ પડે છે. મોહ, સ્નેહ અને લાગણીના વિચારોને તિલાંજલી આપી આવતા ભવની ઉન્નતિ માટે શુભ ભાવના ભાવવી જોઈએ.’’ અનંતે ગદ્ગદિત સ્વરે કહ્યું.
“અનંત તારા ઉત્તમ વિચારો સાંભળી હ્રદયમાં ટાઢક વળે છે પરંતુ મારી આ પૂત્રવધૂનું દુઃખ જોવાતું નથી. તેણે આજ દિવસ સુધી સંસાર સુખ માણ્યું નથી. તેના દેહ પર કદી ઉત્તમ વસ્ત્રો, અલંકારો જોયાં નથી. પુત્ર પ્રેમની ઘેલછામાં મેં ધન પણ વેડફી નાંખ્યું. અનંત ! આવતી કાલે ધન્યાનું શું થશે ? તે તો દુ:ખના દરીયામાં ડૂબી ગઈ છે. અમે હવે કેટલા દહાડા ? એની ઉની ચિંતા કાળજાને કોરી ખાય છે. એનું જીવન ઓશિયાળું બની જશે.’’ ધનેશ્વર શેઠની આંખોમાં આંસુની ધાર વહેવા લાગી. અનંત પણ રડી પડયો.
સંસ્કારમૂર્તિ ધન્યાએ રડતાં રડતાં કહ્યું, ‘‘પિતાજી! આપ મારી ચિંતા ન કરો, મને તો પરમકૃપાળુ પરમેશ્વરનો આશરો છે. આપ આપનું મૃત્યુ સુધારો.’’
અનંતે દિલાસો આપતાં કહ્યું, ‘‘કાકા! ધન્યા બહેન આજથી મારા ધર્મના ભગિની છે. તેમની ચિંતા ન કરશો.'' ધનેશ્વર શેઠ અને સુભદ્રા શેઠાણીના હૈયે ધરપત થઈ.
સાદગીપૂર્ણ જીવન જીવતી, દુર્બળ ધન્યાએ સાસુ-સસરાની સેવામાં મન પરોવ્યું. તે ધર્મમાં વધુ દૃઢ બની. જીવનની સંધ્યાએ કૃતપુણ્યને બદલે ‘પુણ્ય’(શુભ ભાવો) જ વડીલોની નજર સમક્ષ તરવરતું રહે તેવું તે સતી સ્ત્રી ઈચ્છતી હતી. તેણે પરલોક પ્રયાણની વેળાએ વડીલોની સેવા કરી, તેમને ધર્મરંગી બનાવવાની હિતશિક્ષા દોહરાવ્યે રાખી. શેઠની પાછળ શેઠાણી પણ નવકારમંત્રનું સ્મરણ કરતા અલ્પકાળમાં કાળધર્મ પામ્યા. તેમના સ્વર્ગવાસના સમાચાર કૃતપુણ્યને પહોંચાડવામાં આવ્યા. કૃતપુણ્ય લોકલાજે કે શરમે પણ માતા-પિતાના મૃત્યુ પછીનું કર્તવ્ય બજાવવા એકવાર મોઢું બતાવવા પૂરતોય ઘરે ન આવ્યો.
ધન્યા ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. તેના વસ્ત્રો ભીંજાઈ ગયાં અને આંખો સુજી ગઈ. દેહ