________________
૧૨
ધનેશ્વર શેઠ ખૂબ મોટા વેપારી હતા. શેઠને ત્યાં લક્ષ્મીની મહેર હતી પરંતુ શેરમાટીની ખોટ હતી. પુરુષમાં સ્વભાવથી જ દર્દની વ્યથાને પી જવાનું બળ હોય છે પરંતુ સ્ત્રી માતૃત્વના અમૃતને પીવા ઉત્સુક હોય છે. “34પુત્રસ્ય ગૃહં શૂલ્ય - પુત્ર વિના ઘર શૂન્ય છે.” સંતાનનો પ્રશ્ન આવતાં જ સુભદ્રા શેઠાણીના પ્રસન્ન ચહેરા પર વેદનાની ટસરો ફૂટી નીકળતી, પ્રસન્નતા વિષાદમાં પલટાઈ જતી. ખોળાનો ખૂંદનારની ખોટનો ખાલીપો શેઠાણીની આંખ સામે સદા તરવરતો. મોટી મોટી માનતાઓ અને મુરાદો નિષ્ફળ નીવડી.
સુભદ્રા શેઠાણી પોતાના ઓરડામાં બેઠા હતા. તેઓ વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાં શેઠે ઓરડામાં પ્રવેશ કર્યો.
પ્રિયે!શું વિચારમાં પડી ગઈ? ચિત્ત તો પ્રસન્ન છે ને...?''
સ્વામી ! આપ સ્ત્રીના હૃદયને શી રીતે માપી શકો ? માતૃત્વ ધારણ કરવું એ જ પરિણિતા સ્ત્રીની મંગલ કામના હોય છે. વસંત ઋતુથી ધરતી નવપલ્લવિત બને છે, તેમ માતૃત્વના આનંદથી સ્ત્રીનો પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય નીખરી ઉઠે છે. આથી જ સ્ત્રીને ‘વાત્સલ્યમૂર્તિ'થી ઉપમિત કરાય છે. મારા પૂર્વભવના કોઈ અશુભ કર્મોના ઉદયથી હું માતૃત્વથી વંચિત રહી છું. વળી, પ્રત્યેક દોષ નિવારણનો કોઈને કોઈ ઉપાય અવશ્ય હોય છે.”
“સુભદ્રા! તારી લાગણી અને ભાવનાને હું જાણું છું. તું નાહક દુ:ખી ન થા. અહીંના વૈધને ગઈ કાલે જ બતાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બીજ અને ભૂમિમાં કોઈ પ્રકારનો શારીરિક દોષ નથી. પ્રિયે !પૂર્વકૃત કર્મનો દોષ દૂર થાય ત્યાં સુધી ધૈર્ય રાખવું જ રહ્યું.”
સ્વામી ! આ વિશાળ ભવન મને ભૂતબંગલા જેવો લાગે છે. સુખ, સમૃદ્ધિની છોળો ઉડે છે પરંતુ પુત્રના કલરવ વિના સર્વભેંકાર સમાન લાગે છે.”
પ્રિયે, તું શાંત થા.” ધનેશ્વર શેઠે પ્રિયાને પોતાના અંકમાં છુપાવી દીધી. સુભદ્રાની આંખોમાંથી અશ્રુઓ સરી રહ્યાં હતાં. શેઠે પ્રિયાના મસ્તક ઉપર વહાલથી હાથ ફેરવતાં સાંત્વના આપી.
થોડી વાર પછી બન્ને દંપતી નિદ્રાધીન થયા. રાત્રિકાળ પૂર્ણ થયો અને પ્રાત:કાળ થયો. પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ગુંજી ઉઠયું. તેઓ મુક્ત વિહારી બનીને ગગનમાં વિહરી રહ્યાં હતાં. પૂર્વ દિશામાં અંશુમાલિનો ઉદય થયો. આ અવનીના હિત ખાતર તેનું આગમન થતું હોવાથી પક્ષીગણ ઉષ:કાળને અભિનંદી રહ્યા હતાં.
પ્રાતઃ કાર્યની વિધી આટોપી શેઠ-શેઠાણી શિરામણ કરવા ભોજનકક્ષમાં બેઠા હતા ત્યાં સેવકે આવી કહ્યું.
શેઠજી! નગર બહાર ઉધાનમાં મહાતપસ્વી, જ્ઞાની મુનિરાજ મંગલઘોષમુનિ પધાર્યા છે.”
થોડી જ વારમાં શેઠ-શેઠાણી મુનિરાજના દર્શનાર્થે આવ્યા. મંગલદોષમુનિએ સુમધુર સ્વરે ધર્મોપદેશ આપ્યો. બન્ને દંપતીએ મુનિરાજનું પ્રવચન ભાવપૂર્વક સાંભળ્યું.
સમય સરતો ગયો. એકાએક સુભદ્રા શેઠાણીના વદન ઉપર નવું તેજ ઝળહળી ઉઠ્યું.