________________
પ્રકારણ : ૧ “શ્રી કયવન્ના શેઠ'ની કથા
પ્રાચીનકાળે અનુપમ અને અણમોલ ભારતવર્ષની વસુંધરાના ખોળે શિરમોર સમાન મગધદેશની રાજધાની રાજગૃહી નગરી તેની જાહોજલાલીથી વિખ્યાત હતી. સમગ્ર પ્રાંતોમાં આ ભાગ્યવંત ભોમકાની સમૃદ્ધિ અપૂર્વ અને અજોડ હતી. જે ભૂમિની પરથારે પરમકૃપાળુ પરમાત્માએ ચૌદ ચૌદ ચાતુર્માસ કર્યા હતા. જોનારને અમરાપુરીનો અણસાર મળતો.
તે સમયે ન્યાય અને પ્રજાપાલનમાં રામચંદ્ર સમાન નિપુણ અને દક્ષ મહારાજા શ્રેણિકનું રાજ્ય તપતું હતું. દેવોના રાજા ઈન્દ્રને ચર્મચક્ષુવાળા માનવીઓ નજરે નીરખી શકતા નહીં પરંતુ મગધપતિ બિંબિસારને નીરખતાં ઈન્દ્રની પ્રતિભા પરખાઈ જતી. ઈન્દ્રરાજાની પટ્ટરાણી શચિદેવીના રૂપ ગુણ લઈને રાણી ચેલ્લણાએ અવતાર ધર્યો હતો.
પાંચસો મંત્રીઓમાં અગ્રપદે બુદ્ધિનિધાન એવા અભયકુમાર નામના મહામંત્રી હતા. મગધની રાજસભા એ દેવસભા જેવી લાગતી હતી. ન્યાયપ્રિય, પ્રજાવત્સલ, કર્તવ્યનિષ્ઠ અને ધર્મપ્રિય રાજાની છત્રછાયામાં રાજગૃહી નગરીની ભાતીગળ પ્રજા ભયમુક્ત અને સુખી હતી. દેશ દેશાવરના લોકો વટેમાર્ગુઓ, પ્રવાસીઓ નગરીની ભવ્યતા નિહાળવા આવતા ત્યારે તેના સૌંદર્યની અને મહારાજા શ્રેણિકની કીર્તિની મુક્ત કંઠે પ્રશંસા કર્યા વિના રહી ન શકતા.
રાજગૃહી નગરી અનેકપર્વત શૃંગોની વચ્ચે વસેલી હતી અને અપૂર્વ વનશ્રી ધરાવતી હતી. ખળખળ વહેતી નદી, ગિરિદુર્ગ અને ઉધાનોથી નગરીની શોભા ધ્યાનાકર્ષક બની હતી. આ ઉદ્યાનોમાં રમણીય વૃક્ષો, લતાઓ અને પુષ્પો નવપલ્લવિત થયાં હતાં. મધુકરો પુષ્પોની સુગંધથી ખેંચાઈને આવતા. પુષ્પોની મહેકથી રાજગૃહી નગરીનું વાતાવરણ સુગંધમય બન્યું હતું. ચારે તરફ લીલી હરિયાળી અને પંખીઓનો કલરવ રાજગૃહી નગરીને સૌંદર્ય બક્ષતું હતું.
મહારાજા શ્રેણિકની રાજસભા શાસ્ત્રજ્ઞો, કલાકારો, વિદ્વાનો, બુદ્ધિશાળી મંત્રીઓ તેમજ ચારણો-ભાટોથી શોભાયમાન હતી. કોઈપણ વિકટ કે અણઉકેલાતા પ્રશ્નોની ચર્ચા રાજસભામાં થતી. કોઈપણ નિર્દોષ વ્યક્તિ દંડાય નહીં તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવતી.
આવા સગુણી રાજવીની ભોમકામાં અનેક શ્રેષ્ઠીઓ રહેતાં હતાં, તેમાં કોટયાધિપતિ “ધનેશ્વર શ્રેષ્ઠી રાજગૃહી નગરીને ગૌરવ અપાવનારા હતા. તેમની ધર્મિષ્ઠતા અને ધનિકતા સમગ્ર મગધ પ્રાંતમાં વિખ્યાત હતી. કામદેવની પત્ની રતિ જેવું સુભદ્રા શેઠાણીનું સૌંદર્ય હતું.
૧. ભરતેશ્વર બાહુબલીની ત્તિમાં-ધનેશ્વર શેઠ સુભદ્રા શેઠાણી, ધન્યા નામની પુત્રવધૂ અને અનંગસેના નામની ગણિકાનો ઉલ્લેખ થયો છે.
- યતીન્દ્ર વિજયજી કૃત ‘શ્રી કયવન્ના ચરિત્રમ્ (સં.) માં ધનદત્ત શેઠ, વસુમતી શેઠાણી, જયશ્રી નામની પુત્રવધૂ, દેવદત્તા નામની ગણિકાનો નામોલ્લેખ છે.