________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ કષાય-નોકષાયોનો અભાવ જ હોય છે. સર્વે પણ કષાયો અને નોકષાયોનું મૂળ કારણ જો કોઈ હોય તો તે રાગ જ છે.
દસમાં ગુણઠાણે સર્વે પણ કષાયો ગયા પછી આ જીવ બારમા ગુણઠાણે આવી વીતરાગાવસ્થાવાળો બને છે. પછી તે ક્યાંય અટકતો નથી કે પાછો પડતો નથી બારમે વીતરાગ, તેરમે સર્વજ્ઞ-સર્વદર્શી અને ચૌદમે અયોગી થાય છે. આ જ આત્મા અવ્યાબાધ સુખવાળો બની સિદ્ધિદશાને વરે છે. આ રીતે જેઓમાં રાગ નથી, તેઓમાં બીજા મોહના દોષો ક્યારેય પણ સ્પર્શતા નથી.
જે જીવમાંથી રાગદશા ટળી જાય છે. તેમનામાં દ્વેષાદિ અન્ય દોષો સંભવતા જ નથી. કારણ કે જ્યારે કોઈ એક વસ્તુ ઉપર રાગ હોય છે, તો જ તેનાથી વિરોધી વસ્તુ ઉપર અથવા પોતાના રાગવાળી વસ્તુમાં વિઘ્ન કરનારા ઉપર અવશ્ય વૈષ આવે જ છે. રાગ અને દ્વેષ આ બન્ને દોષોનું જોડકું છે. વીતરાગ પરમાત્મા આ બન્ને દોષોથી રહિત છે અને રાગ-દ્વેષનો નાશ કરીને વીતરાગ બન્યા છે તો જ સર્વજ્ઞ સર્વદર્શી બની શકે છે. જે આત્મા મોહનીય કર્મનો નાશ કરે છે, તેના શેષ ઘાતી કર્મો નિયમ અંતર્મુહૂર્ત કાળમાં જ નાશ પામે છે અને જે આત્મા મોહનીય કર્મનો નાશ નથી કરી શકતો, તેનાં શેષ કોઈપણ કર્મ નાશ પામતા નથી. તેથી રાગાદિ મોહના દોષો જ જીવનમાંથી દુર કરવા જેવા છે.
રાગાદિ દોષો જાય તો જ વીતરાગતા આવે છે અને વીતરાગતા આવ્યા પછી જ સાચી ચડતી થાય છે. શેષ અઘાતી કર્મોને ખપાવવા તેરમાં ગુણઠાણે વધારે કાળ રહે છે. બાકી આ જીવ ક્યાંય વિરામ પામતો નથી. સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિદશામાં જઈને ત્યાં જ અનંતકાળ વસે છે. //૩૯માં