________________
યોગસાર
૫૫
વિવેચન - પરમતારક પરમાત્માશ્રી વીતરાગદેવની આજ્ઞાને જેઓ માને છે, સમજે છે અને સ્વીકારે છે, તેઓએ પ્રભુને જ સ્વીકાર્યા કહેવાય. કારણ કે આજ્ઞા અને આજ્ઞાવાન પુરુષનો કથંચિદ્ અભેદ છે. તેથી જેઓ પરમાત્માની આજ્ઞા સ્વીકારે છે, તે જીવોનું ભગવાનની હાજરી હોય તો પણ અને ભગવાનની ગેરહાજરી હોય તો પણ પરમાત્માની આજ્ઞાપાલનતા તે જીવોનું અવશ્ય આ સંસારથી રક્ષણ કરે છે. પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર આ જીવને અવશ્ય મોક્ષપદ આપે જ છે. પરમાત્મા અને તેમની આજ્ઞા આ બન્ને વસ્તુ કથંચિત્ અભેદવાળી છે. તેથી પરમાત્મા જ આ જીવને સંસારથી તારનારા છે, આમ કહેવાય છે. આજ્ઞાનું પાલન કરનારા જીવને પ્રભુ અવશ્ય શિવપદ (મુક્તિનું સ્થાન) આપે છે, આમ કહેવાય છે. પરમાર્થથી તો પ્રભુની આજ્ઞા પાલનતા જ તારનાર છે.
પ્રથમ પ્રસ્તાવ
આ વાતને યથાર્થપણે સાચી કરનારા ભૂમિતલ ઉપર સદેહપણે સાક્ષાત્ વિચરતા સર્વજ્ઞ કેવલી એવા ભગવાન શ્રીમહાવીરસ્વામીના દૃષ્ટાન્તથી મજબૂત રીતે સમજાવતા ગ્રન્થકારશ્રી આ વાતને સિદ્ધ કરે છે કે
સમસ્ત વિશ્વ ઉપર વાત્સલ્ય (પરમ કરૂણાના) ભાવવાળા એવા શ્રી મહાવીરદેવે પણ આ ભૂમિતલ ઉપર તેઓશ્રી સદેહે જ્યારે વિચરતા હતા, ત્યારે અમોઘ દેશના દ્વારા ભક્તિથી ભરપૂર ભરેલા એવા અભયકુમારાદિને (અભયકુમાર-મેઘકુમાર-ધન્ના-શાલિભદ્ર આદિ પુરુષોને અને ચંદનબાળા-સુલસા-મૃગાવતી આદિ શ્રાવિકાઓને) આ સંસારથી તાર્યા જ છે. સારાંશ કે જેઓએ પ્રભુની આજ્ઞાને હૃદયથી સ્વીકારી છે, તે સર્વેનો દુઃખોથી ભરેલા અને દુઃખોથી ભયંકર બનેલા આ ભવસાગરથી અવશ્ય ઉદ્ધાર કર્યો જ છે. ખરેખર પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ ભવસાગરને તરવા માટે જહાજ (વહાણ) સમાન છે.