________________
પર
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
જેમ કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર ઇત્યાદિ આત્મગુણોને પ્રાપ્ત કરવા તથા પ્રાપ્ત કરેલા ગુણોની સુરક્ષા કરવી અને વૃદ્ધિ કરવી. તે જ મુક્તિદશા મેળવવા માટે મંગલકારી માર્ગ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ રત્નત્રયી સ્વરૂપ આત્મગુણોને વિશુદ્ધ કરવા અને પૂર્ણપણે પ્રાપ્ત કરવા એટલે કે જીવનમાં આત્મસાત્ કરવા.
તથા વ્યવહારથી આત્મગુણોની પ્રાપ્તિ અને તેની વૃદ્ધિના કારણભૂત પરમાત્માની ભક્તિ, ગુરુજીનો વિનય અને ગુરુજીની સેવાવૈયાવચ્ચ કરવી. તત્ત્વ જાણવાની જિજ્ઞાસા તથા તે તરફનો પુરુષાર્થ કરવો તથા વિધિ-નિષેધ સ્વરૂપ આચારોનું વિધિ-નિષેધ રૂપે સુંદર આચરણ કરીને યથાર્થ પાલન-પોષણ કરવું. આ જ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. તેથી વધારે ને વધારે ચિત્ત નિર્મળ રહે તે પ્રમાણે પ્રભુભક્તિપ્રભુપૂજા-સ્તવના-પ્રભુના ગુણ ગાવા અને વ્રતોનું સુંદર પાલન, ધર્મધ્યાનાદિનું વારંવાર આસેવન કરવું. તેનાથી ચિત્તની નિર્મળતા અને સમતાભાવની તથા સમ્યગ્નાનાદિ ગુણોની પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે.
તથા બીજા ઉપાયરૂપે આત્મકલ્યાણના બાધક એવા રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનો ત્યાગ કરવો. વિષય-કષાયોના આવેગને રોકવો. તે વિષય-કષાયોનો નિરોધ કરવો અને યથાશક્ય નાશ કરવો. ક્ષણે ક્ષણે આ કષાયોના આવેગનો નાશ કરવા પ્રયત્નશીલ રહેવું. આમ ઉપાદેયનું આસેવન અને હેયભાવોનો ત્યાગ આ બંને ઉપાયો અપનાવવાથી પરમાત્મા શ્રીવીતરાગદેવનું યથાર્થ દર્શન થાય છે. તેમની સાથે મીલન થયાનો યથાર્થ આનંદ પ્રાપ્ત થાય છે. આ ગુણો લાવવાથી સાધક આત્મા ધીરે ધીરે ઉપર-ઉપરના ગુણસ્થાનકો પ્રાપ્ત કરે છે અને અન્તુ કેવલજ્ઞાન પામે છે અને પોતે જ પરમાત્મપદ પામે છે. ૨૨