________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૩૧
જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થા છે ત્યાં સુધી મનમાં “આમ કરૂં કે તેમ કરૂં' ઇત્યાદિ સંકલ્પવિકલ્પો જાગે છે તથા કાયા દ્વારા આત્મપ્રદેશોનું પરિસ્પન્દન થવારૂપ આન્દોલનાત્મક સંકલ્પ-વિકલ્પો ભલે બંધ થઈ જાય છે, તો પણ કાયિક યોગાત્મક આત્મપ્રદેશોનું આંદોલન (અર્થાત્ યોગદશા) ચાલુ રહે છે. તેરમું ગુણસ્થાનક જ્યારે સમાપ્ત થાય છે, ત્યારે કાયિક આત્મપ્રદેશોનું આંદોલન સ્વરૂપ યોગ પણ ક્ષય પામે છે. તેથી કર્મનો થતો આશ્રવ અને બંધ સર્વથા વિરામ પામે છે, ત્યારપછી ચૌદમું ગુણસ્થાનક શરૂ થાય છે.
ચૌદમા ગુણસ્થાનકે આત્મપ્રદેશો સ્થિર હોવાથી મન-વચનકાયાનો યોગ ન હોવાથી આશ્રવ અને બંધ નથી, પરંતુ પૂર્વબદ્ધ બાકી રહેલાં ૪ અઘાતી કર્મોનો ઉદય ચાલુ હોય છે. જેથી તે કર્મો ઉદયથી ભોગવીને આ જીવ સંપૂર્ણપણે કર્મરહિત બને છે અને મેરૂપર્વત જેવો અત્યન્ત નિશ્ચલ એટલે કે સ્થિર બને છે. તેને શૈલેષીકરણ કહેવાય છે. આ પ્રમાણે બારમા ગુણઠાણાના અંતે ઘનઘાતી કર્મોનો ક્ષય, તેરમાના છેડે યોગદશાનો તથા આશ્રવ અને બંધનો ક્ષય અને ચૌદમાના છેડે અઘાતી કર્મોનો પણ આ આત્મા વિનાશ કરે છે. ત્યારબાદ માત્ર એક જ સમયના કાળમાં આ પાર્થિવ દેહનો ત્યાગ કરીને સમશ્રેણીએ સાત રાજ ઉર્ધ્વગમન કરીને લોકાગ્રભાગે ગમન કરે છે. ત્યાં અનંતકાળ સુધી આત્મગુણોના સુખમાં અને આનંદમાં (અર્થાત્ સર્વથા પ્રગટ થયેલી સ્વભાવદશામાં) જ વર્તે છે.
અધ્યાત્મયોગ-ભાવનાયોગ-ધ્યાનયોગ અને સમતાયોગ આ ચારે દશાના નિરંતર અભ્યાસથી - અશુભ કે શુભ વૃત્તિઓનો સંપૂર્ણપણે ક્ષય તથા સત્તાગત કર્મોનો પણ ક્ષય થવા દ્વારા “વૃત્તિસંક્ષયયોગ” આ નામનો પરમયોગ પૂર્ણપણે આ જીવમાં ખીલી ઉઠે છે.