________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ સમજાવવાનો છે. આવો વિષય આ જ ગાથાના ઉત્તરાર્ધમાં યોગાસારું પ્રવક્ષ્યામિ પદથી જણાવેલો છે.
સંબંધ :- મૂળગાથામાં સ્પષ્ટપણે કહેલ નથી. પરંતુ ગર્ભિત રીતે જણાવેલ છે. વીતરાગ પરમાત્માને પ્રણામ કરે છે. તેથી વીતરાગ ભગવંતોએ જૈન આગમ શાસ્ત્રોમાં જે રીતે યોગનું વર્ણન સમજાવેલું છે, તેને અનુસરીને જ અહીં યોગનું વર્ણન સમજાવાશે. વીતરાગ પરમાત્માની વાણીને અનુસારે જ કહેવાશે. આમ પૂર્વાર્ધમાં જ સંબંધ સમજી લેવો.
પ્રયોજન :- સમાસતઃ શબ્દમાં પ્રયોજન સમાયેલું છે. આત્માર્થી જીવો કે જેઓ પોતાના અલ્પ આયુષ્યવાળા કાળમાં મોટાં મોટાં આગમ શાસ્ત્રો ભણવાને સમર્થ નથી તેવા બાળ, અજ્ઞાની પાંચમા આરાના જીવોના ઉપકાર માટે અતિશય સંક્ષેપપૂર્વક યોગનો સાર આ ગ્રન્થમાં સમજાવાશે. આ પ્રયોજન જાણવું. શ્રોતાનું અને કર્તાનું એમ બન્નેનું અનંતર પ્રયોજન “યોગનું સ્વરૂપ જાણવું અને જણાવવું” તે છે અને પરંપરા પ્રયોજન આવા પ્રકારના આધ્યાત્મિક ગ્રન્થોના મનન-ચિંતન દ્વારા કર્મોનો ક્ષય કરીને ગુરુપદની પ્રાપ્તિ કરવી એ છે. આ પ્રમાણે મંગળાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન જાણવા.
આ યોગ બે પ્રકારનો છે - (૧) નિશ્ચયયોગ અને (૨) વ્યવહારયોગ. આપણા આત્માનો જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના ગુણોની સાથે જોડાણ (મીલન) થાય તે નિશ્ચયયોગ સમજવો અને આવા પ્રકારના નિશ્ચયોગને પ્રાપ્ત કરવામાં સાધનભૂત (કારણભૂત) ગુરુવિનય-વૈયાવચ્ચ-નમસ્કારનો જાપ આદિ આરાધના તે સઘળો વ્યવહારયોગ જાણવો. ગુણોની પ્રાપ્તિ તે નિશ્ચયયોગ અને ગુણોની પ્રાપ્તિ કરવાના જે જે ઉપાયો છે તે સઘળો વ્યવહારયોગ જાણવો.