________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
‘પ્રથમ આવશ્યક’ રૂપ સામાયિક લેવાની વિધિ સ્થાપનાજીની સન્મુખ જમણો હાથ અવળો (સ્થાપના મુદ્રા) રાખી નવકાર અને પંચિંદિયનો પાઠ કહેવો. )
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથપગ ધોઈ, સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખ્ખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું, જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવા. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તી અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકા૨ તથા પંચિંદિય બોલવાં.
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પરમ મંગલિક રૂપે આ સૂત્રનો ઉલ્લેખ થયેલો છે. પંચ પરમેષ્ઠિ એવા આત્માઓને નમસ્કાર છે. અને । સૂત્રના બાકીના પદોમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનું ફળ તથા તેનું માહાત્મ્ય સૂચવ્યું છે. સ્થાપના સ્થાપવા માટે પણ આ સૂત્ર આવશ્યકછે.
નવકારમંત્રને મહાશ્રુતસ્કંધ, પંચપરમેષ્ઠી પણ કહેવાય છે. નવકાર ચૌદ પૂર્વનો સાર છે. નવકારમાં અનંત લબ્ધિઓ રહેલી છે. જગતમાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કે પદવી છે, તે સર્વ આ નવકાર મંત્રથી જ પ્રાપ્ત થાય છે.
જૈનદર્શનમાં કોઈપણ અનુષ્ઠાન, આચાર કે ક્રિયા આ લોક કે પરલોકનાં દુન્યવી પદાર્થો, ભોગો, કીર્તિ, શ્લાઘાદિ માટે નહિ પણ કેવળ કર્મનિર્જરા માટે જ છે.