________________
ગોચરીમાં પાણી ના મળ્યું, પાણી મળ્યું ને ભોજન ના મળ્યું હોય છતાં અદીન, પ્રસન્ન ચિત્ત, કષાય મુક્ત, વિષાદ રહિત, ઉપશમ ભાવમાં સમાધિ ભાવ રાખી સ્થિત રહેતાં. સંયમ નિર્વાહ માટે જ આહાર લેતાં.
પ્રખર તપસ્વી આંતર અને બાહ્ય તપની ઉત્કૃષ્ટ સાધનાથી આત્મા પ્રતિદિન તેજસ્વી બનતો ગયો. શરીર કૃશ, બહારથી એક એક અંગ સુકાયેલા છતાં મુખ પરનું તેજ ઢાંકેલા અગ્નિ સમાન દેદિપ્યમાન. માંસ અને લોહી જાણે દેખાય જ નહીં. ફકત હાડકાં, ચામડી, નસો દેખાય. આવી તપશ્વર્યાનું વર્ણન સાહિત્યમાં જવલ્લે જ વાંચવા મળે!
ઘોર તેજસ્વી અણગારના છાતીના હાડકાં જાણે ગંગાની લહેરો સમાન, અલગ અલગ પ્રતીત થતાં હતાં. કરોડના મણકા જાણે રૂદ્રાક્ષની માળા સમાન, ભૂજાઓ સૂકાયેલ સર્પ સમાન, હાથ ઘોડાની ઢીલી લગામની જેમ લટકી ગયા હતાં. શરીર એટલું ખખડી ગયું હતું કે ધન્ના અણગાર ચાલતા ત્યારે હાડકાઓ પરસ્પર અથડાવાને કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ આવતો.
શરીર હતું છતાં અશરીરી જેવા બની ગયા હતાં. તેમ છતાં આત્મા, તપના પ્રખર તેજથી અત્યંત તેજસ્વી થઈ ગયો હતો. આવા તપોધની અણગારની ખુદ મહાવીર ભગવાન, તેમનાં ગૌતમ ઈન્દ્રભૂતિ પ્રમુખ ૧૪,૦૦૦ શ્રમણોમાં ધન્ય અણગારને મહા દુષ્કારક, મહા નિર્જરાકારક કહી બિરદાવતા હતા.
આઠ મહિનાની અજોડ તપસ્યા કરી અને એક માસની અંતિમ સાધના બાદ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ધન્ના અણગાર ઉત્પન્ન થયા છે. ત્યાં ૩૩ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ ત્યાંથી સિદ્ધ થશે.
ધન્ય હો ધન્ના અણગારને! જૈનમ્ જયતિ શાસનમ્!
=================K ૩૫૭ -KNEF==============