________________
મળ્યાનુંય મોટું દુઃખ છે!
ભૂખ્યો સારો કે તૃપ્ત? જાગતો સારો કે સૂતો? સમુદ્રવિજય અને શિવાદેવીનાં બે પુત્રો અરિષ્ટનેમિ અને રથનેમિ. અરિષ્ટનેમિ જે નેમિનાથ તરીકે પ્રખ્યાત થયા. એક દિવસ શ્રીકૃષ્ણ મહારાજાની ચિત્ર-વિચિત્ર આયુધોથી ભરેલી આયુધશાળામાં આવી ચઢ્યા. પોતે સ્નેહલ, શાંત અને મૃદુ હતા એટલે કોઈ દિવસ શસ્ત્રનો સ્પર્શ પણ કર્યો નહોતો.
શ્રી કૃષ્ણજીનો પંચજન્ય શંખ આયુધશાળામાં જ મૂકેલો જોયો. મોટો ને સફેદ શંખ, નેમિનાથે ઉપાડ્યો અને મોઢેથી હવા ભરી, ફૂંકી વગાડ્યો. જાણે ગંગામાં પૂર આવ્યા હોય, મોટા મહાસાગરો ઘૂઘૂવતા હોય એવો ગંભીર નાદ પ્રસરવા લાગ્યો. આખી મહાનગરી સ્તબ્ધ થઈ ગઈ. કોઈને કંઈ સમજાયું નહીં કે આ શાનો આઘોષ ઊડ્યો છે? પણ શ્રીકૃષ્ણને તરત સમજાઈ ગયું. દોડતાં તેઓ આયુધ-શાળામાં આવ્યા. શ્રી નેમિનાથને જોઈ વિમાસણમાં પડી ગયા કે આ શંખ જો આ વગાડી શકે તો ગદા પણ ઉપાડી શકે, ચક્ર પણ ચલાવી શકે. અરે મને પછાડી પણ શકે.
જુઓ, મળ્યાનું પણ કેવું મોટું દુઃખ છે? આપણને કોઈ જ નથી પછાડવાનું છતાં, એક દિવસ એવા ચત્તાપાટ સૂઈ જવાના કે કદી બેઠા નહીં થઈ શકવાના.
શ્રીકૃષ્ણ વિચારે છે, આમને હવે જલ્દી પરણાવી દેવા જોઈએ. તેઓ ના તો પાડે છે પણ ગમે તેમ કરી એક વાર પરણાવી દઈએ એટલે એમની દુનિયાદારીમાં, ઘરસંસારમાં પડે અને પોતાની ફીકર કરવા લાગે.
લગ્ન એ માણસને નાથવાની ગહન વ્યવસ્થા છે. ગમે તેવો માથાભારે માણસ પણ ઘરબારીમાં, ચિંતામાં સીધો દોર થઈ જાય છે. પછી માણસ માથુ ઉચકી શકતો નથી. આમ જુઓ ને તો માણસ ભગવાન જેવો છે પણ પોતાની આદતે જ ગુલામ થઈ ગયો છે.
શ્રીકૃષ્ણ મહારાજએ અરિષ્ટનેમિને ઉગ્રસેન મહારાજની નમણી, મનોહર વીજળી સમાન વર્ણ અને પ્રભાવવાળી સુલક્ષણા અને ગુણવંતી રાજકન્યા રાજીમતિનું માગું મૂક્યું અને વેવિશાળ કર્યું.